અમેરિકાએ ઇરાન સામેના પ્રતિબંધો વધુ કડક બનાવતા ક્રૂડ ઓઇલના પુરવઠામાં ઘટાડો થવાની સંભાવનાએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ ૭૫ ડોલરને પાર થઇ ગયો છે. જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ભાવ વધશે તેવી સંભાવના છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇરાન પર મૂકવામાં આવેલા પ્રતિબંધમાંથી કોઇ પણ દેશને રાહત ન આપવાના અમેરિકાના નિર્ણયથી ક્રૂડ ઓઇલના પુરવઠા પર ગંભીર અસર પડશે.
આ દરમિયાન સાઉદી અરેબિયાએ જણાવ્યું છે કે અમેરિકાના તાજેતરના નિર્ણય પછી અમે અત્યાર સુધી ઓઇલનો પુરવઠોે તાત્કાલિક વધારવાનો નિર્ણય લીધો નથી. આ દરમિયાન ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઇરાક ૨૦૩૦ સુધીમાં દૈનિક ૬૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતું થઇ જશે. જેના કારણે તે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઇલ ઉત્પાદક દેશ બની જશે.
હાલમાં ઇરાકમાં દૈનિક ૧૦.૩ લાખ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરવામાં આવે છે. હાલમાં ઇરાક વિશ્વનો પાંચમો સૌથી મોટો ઓઇલ ઉત્પાદક દેશ છે. ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી ભારતમાં મોંઘવારી વધશે અને સરકારનું આયાત બિલ તથા સબસિડીનો બોજ વધશે. જો કે ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખૂબ જ સતર્ક થઇ જશે. આરબીઆઇની જૂન મહિનામાં થનારી સમીક્ષા બેઠકમાં તે વ્યાજ દર યથાવત પણ રાખે તેવી શક્યતા છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં એક ટકાનો વધારો થવાથી કન્ઝયૂમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવામાં ૦.૦૪ ટકા અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવામાં ૦.૧ ટકાનો વધારો થાય છે.