મંગળવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં રમાયેલ પ્રથમ ટી-20 મેચમાં ટીમ ભારતે શાનદાર જીત મેળવી છે. ભારતે આ મેચ આઠ વિકેટે જીત મેળવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે ટોસ જીતીને ઈંગ્લેન્ડને બેટિંગ આપી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટના નુકશાને 159 રન બનાવ્યા હતા.ઈંગ્લેન્ડ તરફથી જોશ બટલકરે શાનદાર 69 રનની ઈનિંગ રમી હતી. જ્યારે જેસન રોય અને વિલીએ ક્રમશ: 30 અને 29 રનની ઈનિંગ રમી હતી. ઈંગ્લેન્ડે આપેલા 160 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને પ્રથમ ઓવરમાં જ ફટકો લાગી ગયો હતો. શિખર ધવન માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો.જે પછી જો કે, લોકેશ રાહુલ અને રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની ઈનિંગને સંભાળી લીધી હતી. ભારત તરફથી લોકેશ રાહુલે આક્રમક બેટિંગ કરતાં 27 બોલમાં ફિફ્ટી ફટકારીને ઈંગ્લેન્ડના આત્મવિશ્વાસ પર હુલ્લો કર્યો ત્યાર પછી લોકેશે માત્ર 53 બોલમાં સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ 18.2 ઓવરમાં 163 રન બનાવીને જીત મેળવી લીધી હતી. તે ઉપરાંત રોહિત શર્માએ 32 રનની ઈનિંગ રમી હતી. જ્યારે વિરાટ કોહલીએ માત્ર 20 રન બનાવીને પણ એક શાનદાર રેકોર્ડ પોતાના નામે નોંધાવી નાંખ્યો છે. વિરાટ કોહલીએ સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી. ભારત તરફથી કૂલદીપ યાદવે શાનદાર બોલિંગ કરતાં ચાર ઓવરમાં 24 રન આપીને પાંચ વિકેટ પોતાના નામે નોંધાવી હતી. જ્યારે લોકેશ રાહુલે 53 બોલમાં 10 ફોર અને 5 સિક્સની મદદથી 101* રનની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આમ પ્રથમ ટી-20ના હિરો કૂલદીપ યાદવ અને લોકેશ રાહુલ રહ્યાં હતા. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચ પહેલા વિરાટના આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં 1992 રન બનાવી લીધા હતા. 2000 રનની એલિટ ક્લબથી ફક્ત 8 રન દૂર હતો. તેણે આ રન 59 મેચમાં 18 અડધી સદીની મદદથી બનાવ્યા છે. બેસ્ટ સ્કોર 90 રન છે. બીજી તરફ રોહિત શર્માને આ ક્લબમાં સામેલ થવા માટે 51 રનની જરૂર છે. તેણે 81 મેચમાં બે સદી અને 15 અડધી સદીની મદદથી 1949 રન બનાવ્યા છે. 118 બેસ્ટ સ્કોર છે.