આઈસીસી વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમને વધુ એક ફટકો પડ્યો છે. ઓલ-રાઉન્ડર વિજય શંકરને પગના અંગૂઠામાં ઈજા થવાના કારણે તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ટીમમાં મયંક અગ્રવાલ અથવા તો શ્રેયસ અય્યરનો સમાવેશ થઈ શકે છે. ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકરને પગના અંગૂઠા ઈજા પહોંચી છે જેના કારણે તેને વર્લ્ડ કપમાંથી બહાર થવું પડ્યું છે. આ અગાઉ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પણ ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર પણ ઈજાગ્રસ્ત થયો હતો. નોંધનીય છે કે રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં શંકરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેના સ્થાને યુવાન વિકેટકીપર રિષભ પંતને તક આપવામાં આવી હતી. પ્રેક્ટિસ મેચ દરમિયાન વિજય શંકરના પગના અંગૂઠામાં બોલ વાગતા ગંભીર ઈજા પહોંચી છે જેથી તે વર્લ્ડ કપની આગામી એકપણ મેચ રમવા માટે સક્ષમ નથી. શંકરનું પ્રદર્શન એમ પણ આ વર્લ્ડ કપમાં કંઈ ખાસ પ્રભાવશાળી નથી રહ્યું.