ઈન્ડિયાબુલ્સ રિએલ એસ્ટેટ લંડનની પ્રોપર્ટીને 20 કરોડ પાઉન્ડ( 1,800 કરોડ રૂપિયા)માં પોતાના પ્રમોટર્સને વેચશે. ભારતીય કારોબાર પર ફોકસ કરવા અને લોન ચૂકવવા માટે કંપનીએ આ નિર્ણય લીધો છે. ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટ પર 31 માર્ચ સુધી 4,590 કરોડ રૂપિયાનું દેવું હતું. લંડનની પ્રોપર્ટી વેચાવવાથી જે રકમ મળશે, તેનાથી કંપનીનું દેવું ઘટાડીને 3,000 કરોડ પર લાવવામાં મદદ મળશે.કંપનીએ લંડનની જે પ્રોપર્ટી વેચવાનો નિર્ણય કર્યો છે, તેને 16.15 કરોડ પાઉન્ડમાં ખરીદી હતી. પ્રોપર્ટીની હાલની વેલ્યુએશન 18.9 કરોડ પાઉન્ડ છે. ઈન્ડિયાબુલ્સનું કહેવું છે કે બ્રેક્સિટ અને તેની સાથે જોડાયેલી અનિશ્ચિતતાઓના કારણે લંડનના પ્રોપર્ટી માર્કેટમાં સુસ્તી છે. આ કારણે કંપનીના પ્રમોટરો લંડનની સંપતિની પેરેન્ટ ફર્મ સેન્ચ્યુઅરી લિમિટેડને ખરીદી રહી છે.સોદા માટે શેરધારકોની મંજૂરી લેવાની રહેશે.
કંપની સાથે જોડાયેલી લેવડ-દેવડના કારણે પ્રમોટર તેના માટે થનારા વોટિંગમાં હિસ્સો લેશે નહિ. કંપની માત્ર મુંબઈ અને એનસીઆરના કારોબાર પર ધ્યાન આપશે. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટનો નફો 95 ટકા ઘટીને 108.56 કરોડ રૂપિયા થયો હતો. ગત વર્ષેના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં કંપનીને 2,181.13 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. આવક પણ 3,244.25 કરોડ રૂપિયાથી ઘટીને 2,040.61 રહ્યો હતો.સમગ્ર નાણાંકીય વર્ષ(2018-19)માં કંપનીએ માત્ર 504 કરોડ રૂપિયા નફો રળ્યો હતો. નાણાંકીય વર્ષ 2017-18માં તે 2,372.8 કરોડ રૂપિયા હતો. જોકે આવકમાં વધારો થયો છે. નાણાંકીય વર્ષ 2018-19માં કંપનીની આવક વધીને 5,222.93 કરોડ રૂપિયા થઈ છે. વર્ષ 2017-18માં તે 4,731.84 કરોડ રૂપિયા હતી.