ઉત્તરપ્રદેશના મઉમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભા સંબોધિત કરી. તેઓએ કહ્યું કે યુપીમાં મહામિલાવટવાળાઓના આંકડાનો મેળ તૂટ્યો છે. વિપક્ષ મોદીને હટાવવાના બહાને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માગે છે. મોદીએ કહ્યું કે મમતા બેનર્જી યુપીવાળાઓને બહારના લોકો કહે છે, પરંતુ બસપા પ્રમુખ માયાવતી તેમનું સમર્થન કરી રહ્યાં છે.
માયાવતીને યુપીવાળાની ચિંતા નથી પરંતુ તે ખુરસીના ખેલમાં જ વ્યસ્ત છે. મોદીએ બંગાળમાં થયેલી હિંસા પર કહ્યું કે ટીએમસીના ગુંડાઓએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી હતી અમે ત્યાં પંચધાતુની મૂર્તિ સ્થાપિત કરીશું. મોદી આજે ઉત્તરપ્રદેશના ચંદ્રોલી, મિર્ઝાપુર અને પશ્ચિમ બંગાળના મથુરાપુર તેમજ દમદમમાં સભાઓ કરશે.
મોદીએ કહ્યું કે, “મહામિલાવટી જે મહિના પહેલાં મોદી હટાવોનો રાગ આલાપી રહ્યાં હતા તેઓ આજે રઘવાયા થયા છે. તેમના પરાજય પર દેશવાસીઓએ મોહર લગાવી દીધી છે. ઉત્તરપ્રદેશે તો તેમનું ગણિત જ બગાડી નાખ્યું છે. સપા-બસપાએ જાતિવાદના આધારે ગઠબંધનનો પ્રયાસ કર્યો. એસી રૂમમાં બેઠેલા નેતા પોતાના કાર્યકર્તાઓને ભૂલી જ ગયા. બંને પાર્ટીઓના કાર્યકર્તા એક બીજા પર હુમલાઓ કરી રહ્યાં છે.
સપા-બસપાએ કેટલીક જાતિઓને પોતાના ગુલામ સમજી લીધા હતા. 2014, 2017માં બીજી વખત સમજાવ્યા બાદ હવે 2019માં ઉત્તરપ્રદેશ ત્રીજી વખત આ પક્ષોને વધુ યોગ્ય રીતે સમજાવવા જઈ રહ્યું છે કે જાતિઓ તમારી ગુલામ નથી. લોકો એમ સમજે છે કે વોટ વિકાસ માટે જ. વોટ દેશના વિકાસ માટે જ અપાય છે. આ લોકો જાતિના નામે માત્ર સત્તા મેળવી જે બાદ તેનો ઉપયોગ બંગલા બનાવવા અને સંબંધીઓને કરોડપતિ-અબજપતિ બનાવવા માટે જ કર્યો.”