ઉત્તર કોરિયાનો ભેજાગેપ સરમુખત્યાર કિમ જોન્ગ ઉન યુદ્ધની ભાષા જ સમજતો હોય તેવું લાગે છે. તેને યુદ્ધનો ઉન્માદ જાગ્યો છે તેમ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિકી હેલીએ કહ્યું હતું. ઉત્તર કોરિયાએ રવિવારે હાઈડ્રોજન બોમ્બનો વિસ્ફોટ કર્યો હતો. આવો બોમ્બ લાંબા અંતરની મિસાઈલ્સ સાથે ગોઠવીને તેને અમેરિકા સુધી પ્રહાર કરી શકાશે તેવો દાવો ઉત્તર કોરિયાએ કર્યો હતો. આ તેનું છઠ્ઠું અને સૌથી શક્તિશાળી પરમાણુ પરીક્ષણ હતું. હેલીએ કહ્યું કે અમેરિકા ક્યારેય યુદ્ધ ઈચ્છતુ નથી. અમારા દેશની ધીરજ હવે ખૂટી ગઈ છે, હવે સહનશક્તિની હદ થાય છે.  અમે કિમ જોન્ગ ઉનનાં અટકચાળાને મૂંગા મોઢે જોઈ રહીશું નહીં. અમે અમારા સાથી દેશો અને તેમની સરહદોનું રક્ષણ કરીશું. ઉત્તર કોરિયા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે તેવા આક્ષેપો તેમણે કર્યા હતા. કિમ જોન્ગ ઉનનાં આ ઉશ્કેરણીજનક અને આપત્તિજનક પગલાં પછી સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયા પર આકરા પ્રતિબંધો લાદવા વિચારણા હાથ ધરી છે.  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં સભ્યો હવે ઉત્તર કોરિયા સામે કડક પગલાં લેવા ભેગા થયા હતા જ્યાં હેલીએ કહ્યું કે પરમાણુ શસ્ત્રો ધરાવતા અન્ય દેશો તેમની જવાબદારી સમજે છે પણ ઉત્તર કોરિયાનો સનકી નેતા યુદ્ધ માટે તડપતો હોય તેવું લાગે છે.

LEAVE A REPLY