બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 10 સેકન્ડ સુધી આવેલા ભૂંકપના કારણે લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો. ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. માહિતી પ્રમાણે ભૂકંપના આંચકાની તિવ્રતા 4.8ની આસપાસ છે. પાલનપુર, ડીસા, અંબાજી સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. ISRની આધિકારીક વેબસાઈટ પર બતાવ્યું કે, 10.31એ આવેલા ભૂકંપનો એપી સેન્ટર અંબાજીથી 24 કિમી. દૂર ભાયલા ગામે નોંધાયું છે. જમીનની 3.1 કિમી. અંદર હતું. જોકે ભૂકંપની કોઈ જાનહાનીના અહેવાલ નથી.
બનાસકાંઠાના પાલનુપર, દાતા, અંબાજી, અમીરગઢ, માઉન્ટ આબુ, ડીસા સહિત સાબરકાંઠા અરવલ્લીના હિંમતનગર, મોડાસા, બાયડ, ખેડબ્રહ્મા, વિજયનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં 10-31 કલાકે ભૂકંપના આંચકા અનુભવતા લોકો ડર અને ગભરાટના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. પાલનપુરમાં ફલેટમાં રહેતા લોકોમાં થોડો ડર વધારે દેખાતો હતો. બનાસકાંઠા જિલ્લા ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં ઇડર, હિમંતનગર, વડાલી, ખેડબ્રહ્મા, મોડાસા, શામળાજી, બાયડ, ધનસુરામાં ધરતીકંપથી લોકો ઘરની બહાર દોડી ગયા છે. મહેસાણાના ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
સતલાસણાના ધરોઈમાં ભૂકંપનો આંચકો આવ્યો છે.ઉત્તર ગુજરાત ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં થલતેજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોડી રાત્રે અમદાવાદના થલતેજ, વેજલપુર, સેટેલાઈટ જેવા વિસ્તારના બહુમાળી ઇમારતમાં રહેતા લોકોને પણ ભૂકંપનો અનુભવ થયો હતો. જો કે તીવ્રતા ઓછી હોવાથી જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે.