ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના નાના ભાઈ પ્રમોદ મિત્તલની રૂ. 19.32 કરોડની છેતરપિંડીની શંકામાં યુરોપમાં ધરપકડ કરવામાં આવી છે. બુધવારે જ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. લુકાવાસમાં કોકિંગ પ્લાન્ટ જીઆઈકેઆઈએલથી સંબંધિત ફ્રોડ મામલે પ્રમોદ સામે કાર્યવાહી કરવામાં આવી છે. એક હજાર કર્મચારીઓવાળા કોકિંગ પ્લાન્ટનું સંચાલન પ્રમોદ મિત્તલ 2003થી કરી રહ્યા છે. તેઓ જીઆઈકેઆઈએલના સુપરવાઈઝરી બોર્ડના પ્રેસિડન્ટ છે.
માહિતી પ્રમાણે તેમના પર ઓળખાણનો ખોટો દૂરઉપયોગ કરવાનો આરોપ છે.કંપનીના જનરલ મેનેજર પરમેશ ભટ્ટાચાર્ય અને સુપરવાઈઝરી બોર્ડના એક અન્ય સભ્યની પણ ધરપકડ કરવામાં આવી છે. બોસ્નિયાના સરકારી વકીલ કૈજિમ સેરહેટલિકના જણાવ્યા પ્રમાણે જો આ મામલે દોષિત સાબીત થશે તો પ્રમોદને 45 વર્ષની સજા પણ થઈ શકે છે.
સેરહેટલિકે જણાવ્યું કે, આ સંગઠન સાથે સંકળાયેલા ચોથા શંકાસ્પદ વ્યક્તિ સામે પણ ધરપકડનું વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રમોદ અને અન્ય લોકો પર 28 લાખ ડોલર (19.32 કરોડ રૂપિયા)ની હેરા-ફેરી કરવાની શંકા છે. આ વર્ષે માર્ચમાં પ્રમોદને મોટા ભાઈ લક્ષ્મી મિત્તલે રૂ. 1600 કરોડ આપીને ભારતમાં અપરાધિક કાર્યવાહીમાંથી બચાવ્યો હતો. પ્રમોદ પર સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન (એસટીસી)ના 2,210 કરોડ રૂપિયાનું પણ દેવું છે.