વાસ્તવિક ઘટના પર આધારિત ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક ફિલ્મની શરૂઆત જ ઈન્ડિયન આર્મીમાં મણિપુરના ચંડેલ જિલ્લામાં થયેલા ભયાનક હુમલાથી થાય છે. 4 જૂન 2015ના રોજ થયેલા આ હુમલાનો ઈન્ડિયન આર્મીએ છ દિવસ પછી 10 જૂન 2015ના રોજ એવો જડબાતોડ જવાબ આપ્યો હતો કે દુશ્મનદેશ આજની તારીખે તેના આઘાતમાંથી બહાર નથી આવ્યો. ફિલ્મમાં આ ઓપરેશન મેજર વિહાન શેરગિલના નેતૃત્વમાં હાથ ધરાયુ હતુ જેનો રોલ વિકી કૌશલ ભજવી રહ્યો છે. માતાનું સ્વાસ્થ્ય કથળતા વિહાન બોર્ડર પર એક્શન છોડી દિલ્હીના સાઉથ બ્લોકમાં ડેસ્ક જોબ લે છે. પણ નેતૃત્વ કરવાની તેની ક્ષમતાને કારણે તેને 2016માં તેમને સર્જિકલ સ્ટ્રાઈકના મહત્વના મિશન માટે પાછો બોલાવવામાં આવે છે.આ ફિલ્મનું સૌથી સબળુ પાસુ એ છે કે તે દેશભક્તિથી છલોછલ બીજી ફિલ્મો કરતા અલગ બની છે. આ ઘણી બેલેન્સ્ડ ફિલ્મ છે. પણ નબળી બાજુ એ છે કે ફિલ્મમાં રિસર્ચનો સદંતર અભાવ છે. તેને કારણે ફિલ્મમાં મોટો હિસ્સો વિહાનની પર્સનલ લાઈફ વિષે બતાવી દેવાયો છે. એમાં કશું ખોટું નથી પણ તેને કારણે ફિલ્મનું ફોકસ આર્મીના જવાનોએ આ બ્રિલિયન્ટ મિશન કેવી રીતે પાર પાડ્યું તેના પરથી હટી જાય છે.અભિનયની વાત કરીએ તો વિકી કૌશલ તેના પાત્રમાં ઊંડાઈ લાવવામાં સફળ ગયો છે. અમુક સીનમાં તે કાચો પડે છે પણ સરવાળે તેણે મેચ્યોર પરફોર્મન્સ આપ્યું છે. યામી ગૌતમ ફિલ્મમાં એજન્ટના રોલમાં ફિટ નથી બેસતી.
ઈન્ટરોગેશન રૂમમાં બેસવા માટે જેવી કડક પર્સનાલિટી જોઈએ તેના માટે યામી ઘણી નબળી પડે છે. ‘તેરે અખરોટ મૂંહ સે નિકાલ દૂંગી’ જેવી લાઈન બોલવા માટે યામી ઢીલી પડે છે. પરેશ રાવલ તેની ભૂમિકા પરફેક્શનથી ભજવે છે. તેનું પાત્ર દેશના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભલ પર આધારિત છે અને તે આખી ફિલ્મનું સૌથી સબળુ પાસુ છે. એરફોર્સ પાઈલટ તરીકે ક્રિતી કુલ્હારીને પણ કંઈ ખાસ કરવાનો મોકો નથી મળ્યું.ફિલ્મનો હીરો મિશન પરથી તેના બધા જ માણસોને જીવતા પાછા લાવવાનું વચન પાળે છે. એક્શન મૂવી ગમતી હોય તો આ ફિલ્મ સારી વન ટાઈમ વૉચ છે.