મુઝફ્ફરપુર પોલીસે અભિનેતા અનુપમ ખેર, અક્ષય ખન્ના ઉપરાંત 12 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મના મામલે ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્દેશને પગલે પોલીસે આમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.

8 જાન્યુઆરીના કોર્ટના ઓર્ડરનું પાલન નહિ કરવામાં આવતા મંગળવારે કાંતિ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ પર આધારિત ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મના મામલે આ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

વકીલ સુધીર કુમાર ઓઝાએ કરેલી ફરિયાદના આધારે કોર્ટના આદેશ પર અભિનેતાઓ તેમજ અન્ય 12 લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. ફરિયાદીએ જણાવ્યું કે, ફિલ્મમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત કેટલાક જાહેર નેતાઓનું ચિત્રણ ખોટી રીતે કરવામાં આવ્યું છે.

ઓઝાએ કોર્ટના સબ ડિવિઝનલ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સબા આલામને 4 ફેબ્રુઆરીના જણાવ્યું કે તેમના આદેશનું પોલીસ દ્વારા પાલન કરવામાં આવ્યું નથી. જેને પગલે મુઝફ્ફરપુરના સીનિયર પોલીસ સુપ્રીટેન્ડેન્ટ દ્વારા કોર્ટે કાંતિ પોલીસ સ્ટેશનને કારણ દર્શાવો નોટિસ ફટકારી હતી. ત્યારબાદ પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી.

પોલીસ દ્વારા તમામ વિરુદ્ધ ઈપીકોની કલમ 295, 153, 153A 293 504, 506, 120B 34 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં વિવિધ જૂથોમાં દુશ્માનાવટને પ્રોત્સાહન આપવું, અશ્લિલતાનું વેચાણ, શાંતિ હનનના ઈરાદે અપમાન અને ગુનાઈત કાવતરા વગેરેનો સમાવેશ થાય છે.

ઓઝાએ ફરિયાદમાં અનુપમ ખેર (ફિલ્મમાં પૂર્વ પીએમ મનમોહનનો રોલ કર્યો છે) તેમજ અક્ષય ખન્ના, કે જેમણે તત્કાલિન મીડિયા સલાહકાર સંજય બારુની ભૂમિકા ભજવી હતી, તેમના નામનો ઉલ્લેખ કર્યો હો.

આ ઉપરાંત જે અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે તેમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીનો રોલ કરનાર કલાકાર, રાહુલ ગાંધીની ભૂમિકા ભજવનાર તેમજ અટલ બિહારી વાજયેપી, એલ કે અડવાણી અને લાલુ યાદવની ભૂમિકા ભજવનાર કલાકારનો સમાવેશ થાય છે.

એફઆઈઆરમાં પ્રોડ્યુસર, ડાયરેક્ટર તેમજ અન્ય મહત્વના લોકોના નામ પણ છે. ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મ 11 જાન્યુઆરી 2019ના રીલિઝ થઈ હતી.