ઘરેલુ હિંસા, અત્યાચાર અને પૈસા માટે શારીરિક-માનસિક ત્રાસ આપવાની અનીતિ હવે મહિલાઓ સહન કરતી નથી. શહેરમાં 498ની ચાર ફરિયાદ નોંધાઈ છે. એમ.ટેક. થયેલી યુવતીના લંડનમાં રહેતા પતિએ વિદેશમાં બીજી પત્ની રાખી હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. જ્યારે, સાસરીમાં ત્રાસના કારણે તલાટીની પત્નીએ ફિનાઈલ પીધાની ઘટના ઈસનપુરમાં બની છે. કાલુપુરની પરિણીતા સાથે કોર્ટમાં સમાધાન કર્યું તેના ખર્ચના પૈસા સાસરિયાંએ માગ્યાની ફરિયાદ નોંધાવાઈ છે. તો, શહેરકોટડા વિસ્તારમાં રહેતી પત્નીએ સટ્ટામાં પૈસા ગુમાવતો પતિ પૈસા માગતો હોવાની ફરિયાદ નોંધાવી છે..વસ્ત્રાપુરમાં પિતૃગૃહે રહેતા, એમ-ટેક સુધી ભણેલા 24 વર્ષના દિવ્યાબહેને પતિ ગિરીશ આયંગર અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે. NRI ગિરીશ આયંગર સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન કર્યા પછી તા. ૨૯-૪-૨૦૧૬ના રોજ પરત ચેન્નઈથી લંડન જતા રહ્યા હતા.
પતિ લંડન જતાં રહ્યા પછી સાસુ, સસરા, નણંદ અને નણદોઈ ત્રાસ આપતાં હતાં અને પ્રોફેસર તરીકે ઈન્ટરવ્યૂ પણ આપવા દીધો નહોતો. દિવ્યાબહેન કહેતા હતા તો પતિ ગિરીશ કહેતો હતો કે, લંડનથી પી.આઈ. મળવામાં લાંબો સમય લાગશે. ભારતમાંથી પી.આર.ની ફાઈલ મૂકવાની દિવ્યાબહેનની વાત પતિ સાંભળતો નહોતો. પતિ ગિરીશ અચાનક જ તા. ૮-૧૧-૨૦૧૮ના રોજ ભરત પરત આવ્યો હતો. એક દિવસ દિવ્યાબહેને પતિનો પાસપોર્ટ જોતાં તેમાં પત્ની તરીકે વિદેશી મહિલાનું નામ હતું. આ અંગે પૂછતાં પતિ ગિરીશે કહ્યું હતું કે, ‘મારા અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે, હું બે પત્ની સંભાળી શકું તેમ છું.’ મોટો કરિયાવર પડાવી લેવા ખોટા દસ્તાવેજો તૈયાર કરી લગ્નની નોંધણી વખતે અપરણિત હોવાનું દર્શાવનાર પતિ અને સાસરિયાં સામે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.