એડિલેડ ઓવલ ખાતેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રનથી હાર આપી છે. એ સાથે જ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ચાર ટેસ્ટ મેચની સિરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારત 10 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ જીત્યું છે.
છેલ્લે 2008માં ભારત ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં વિજયી બન્યું હતું. એડિલેડ ઓવલની વાત કરીએ તો ભારતને અહીંયા 15 વર્ષ બાદ જીત મળી છે. છેલ્લે 2003માં ભારત એડિલેડમાં ટેસ્ટ જીત્યું હતું.
ઓસ્ટ્રેલિયન જમીન ઉપર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 45 ટેસ્ટ મેચોમાં ભારતને આ છઠ્ઠો વિજય હાંસલ થયો છે. આ મેચમાં કાગારુઓએ ભારતને પહેલી ઇનિંગમાં 250 રને ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયાને પહેલી ઇનિંગમાં 235 રને ઓલઆઉટ કરીને 15 રનની લીડ હાંસલ કરી હતી.
બીજી ઇનિંગમાં ભારતે 307 રન ફટકાર્યા અને ઓસ્ટ્રેલિયાને 323 રનનું ટારગેટ આપ્યું હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 291 રન ઉપર જ ઓલઆઉટ થઇ જતાં ભારતે ઐતિહાસિક વિજય મેળવ્યો.