તાજેતરમાં જ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાને સાચવણી માટે દત્તક આપી દેવાયો તેમ હવે  ગુજરાતનો ઐતિહાસિક વારસો પણ દત્તક અપાશે. સોલંકી યુગની પાટણની ઐતિહાસિક રાણકી વાવ દત્તક આપવા ઓએનજીસી સાથે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે કેન્દ્રની અડોપ્ટ હેરિટેજ સ્કીમ હેઠળ વિચારણા શરૂ કરી છે. રાણકી વાવ ઉપરાંત મોઢેરાનું સૂર્યમંદિર, ચાંપાનેર, જૂનાગઢનો અશોકનો શિલાલેખ અને બૌદ્ધ ગુફાઓ જેવાં ઐતિહાસિક અને હેરિટેજ સ્મારકો પણ દત્તક આપવા કોર્પોરેટ ગૃહો સાથે પત્રવ્યવહાર શરૂ થયો છે.  એડોપ્ટ હેરિટેજ પ્રોજેક્ટ હેઠળ રાણીની વાવને ગ્રીન કેટેગરીમાં મૂકવામાં આવી છે. ગુજરાતના અગ્રણી ઉદ્યોગગૃહોને પણ રાણીની વાવ અને અન્ય હેરિટેજ સાઇટ દત્તક લેવા પત્રો લખાયા છે. રાણીની વાવ હાલ આર્કિઓલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા હસ્તક છે. સોલંકી કાળની રાણીની વાવનું દેશ-વિદેશના પર્યટકોમાં આકર્ષણ છે. વર્ષ 2014માં વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરાયા બાદ પર્યટકોનો ધસારો વધ્યો છે. હાલ રાણીની વાવ જોવા માટે 5 રૂ. પ્રવેશ ફી રખાઇ છે. એડોપ્ટ હેરિટેજ સ્કીમ હેઠળ તેની પુરાતત્ત્વીય ઓળખ જાળવી રાખવાની સાથે પ્રવાસીઓ માટે સુવિધા પણ વધારાશે. વાર્ષિક 4000 વિદેશી સહિત 3.50 લાખ પ્રવાસી વાવની મુલાકાત લે છે. આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણેની પ્રાથમિક સુવિધા – સ્વચ્છ સ્મારક હેઠળ પ્લાસ્ટિક મુક્ત સ્થળ – બેરિયરમુક્ત એટલે કે તમામને સરળતાથી પ્રવેશ મળે તેવી વ્યવસ્થા – વાઇફાઇ, ઓડિયો ગાઇડ એપ – ક્લોક રૂમ – ટિકિટ માટેના કેશલેસ કાઉન્ટર – કેન્ટીન, હેન્ડિક્રાફ્ટ શોપ્સ – સીસીટીવી કેમેરા સાથેની એડ્વાન્સ સર્વેલન્સ સિસ્ટમ – લાઇટ એન્ડ સાઉન્ડ શો – બેટરી ઓપરેટેડ વાહનો. એએસઆઇ હસ્તકનાં સ્મારકો અંગે પરામર્શ ચાલી રહ્યો છે. પુરાતત્ત્વ ખાતા હસ્તકનાં સ્મારકો અંગે પણ વાતચીત ચાલી રહી છે. આ માટે ગુજરાતના મોટા અને અગ્રણી ઉદ્યોગગૃહોને પત્રો પણ લખવામાં આવ્યા છે. એમ  ગુજરાત ટૂરિઝમના એમડી જેનુ દેવને જણાવ્યું હતું.