એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પ્રદીપ સિંહ ખારોલાએ 9 જાન્યુઆરીએ નવી બિડિંગ સિસ્ટમ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સિસ્ટમ દ્વારા મુસાફરો વધારાનું ભાડું ચૂકવીને તેમની ઇકોનોમી ક્લાસની સીટમાંથી બિઝનેસ ક્લાસમાં અપગ્રેડ કરાવી શકશે. આ સિસ્ટમ મુજબ મુસાફરે ઇકોનોમી ક્લાસની ટિકિટી માટે જે રકમ ચૂકવી હોય પરંતુ તેમણે માત્ર વધારાની રકમ જણાવવાની રહેશે. અમે ઓછામાં ઓછી એક મર્યાદામાં આ રકમ જણાવીશું. આ સિસ્ટમ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને હોંગકોંગની ફ્લાઇટમાં શરૂ કરવામાં આવી છે, જોકે તેનો અખાતી પ્રદેશમાં અમલ શરૂ થઇ શક્યો નથી. જે લોકોએ ઇકોનોમી ક્લાસની ટિકિટ બુક કરી લીધી હશે અમે તેને થોડું વધુ ભાડું ચૂકવીને બિઝનેસ ક્લાસમાં જવાની તક આપીશું.

એરઇન્ડિયાની વેબસાઇટ પર આ બિડિંગ સિસ્ટમ ‘બિઝનેસ-લાઇટ’ના નામે દર્શાવેલ છે, અને તે ડિસેમ્બરના અંતમાં લોંચ કરવામાં આવી છે. એરપોર્ટમાં ચેક-ઇન પ્રક્રિયા પૂર્ણ થયા પછી મુસાફર સિક્યુરિટી ચેક માટે આગળ વધશે ત્યારે સિસ્ટમમાં દર્શાવાશે કે બિઝનેસ ક્લાસમાં કેટલી સીટ ખાલી છે. અને પછી મુસાફરોને સિસ્ટમ દ્વારા પ્રાથમિકતા (ઉંચી બિડથી લઇને નીચી બિડ મુજબ)ના આધારે સીટની ફાળવણી થશે. આ સમય દરમિયાન તમે બોર્ડિંગ ગેટ સુધી પહોંચી જશો અને તમારી સીટ અપગ્રેડ થઇ જશે. પછી તમને બોર્ડિંગ ગેટ પર બિઝનેસ ક્લાસ સીટનો નવો બોર્ડિંગ પાસ આપવામાં આવશે. જે મુસાફરે બિડ કરી હશે પરંતુ સીટ અપગ્રેડ નહીં થઇ હોય તો તેમને તેમના નાણા પરત મળશે. જુદા-જુદા વિસ્તાર માટે અલગ કિંમત મર્યાદા હશે. કોઇપણ વ્યક્તિ નીચી કિંમતની બિજ કરી શકશે. એર ઇન્ડિયા દરરોજ તેના નેટવર્કમાં બિઝનેસક્લાસની 4500 સીટ્સ સહિત 72 હજાર સીટ્સનું સંચાલન કરે છે.

ખારોલાએ વધુમાં જણાવ્યું હતું કે, ડોમેસ્ટિક ક્ષેત્રમાં છ મેટ્રો શહેરોની ફ્લાઇટ્સમાં બિડિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. અમારા પર 50થી 60 ટકાનું બિઝનેસ ક્લાસનું ભારણ છે, તે જોતા હવે અમારી પાસે આવી ખાલી સીટ્સની સારી તક છે અને તેમાંથી કમાણી કરીશું. જો બિઝનેસ ક્લાસ સીટ ખાલી જાય તો તે સંપૂર્ણ નુકસાન છે, પરંતુ અમે આ સીટ ભરવા બિઝનેસ ક્લાસનું ભાડું ઓછું કરીશું તો અમને ચોખ્ખું કંઇ નહીં મળે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જતી ફલાઇટ્સના મુસાફરો પોતાની સીટ અપગ્રેડ કરવાનું ખરેખર ઇચ્છે છે.