તાઈપેઈમાં ગયા સપ્તાહથી ચાલી રહેલી એશિયન એરગન શૂટિંગ સ્પર્ધાઓમાં રવિવારે ભારતે વધુ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી કુલ 14માંથી 12 ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. અને ભારતની આ સફળતામાં ગુજરાતની યુવા શૂટર ઈલાવેનિલ વાલારિવન તથા કેવલ પ્રજાપતિએ પણ મેડલ્સ જીતી મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.
૧૭ વર્ષના શૂટર દિવ્યાંશ પનવરે પુરૂષોની ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો. દિવ્યાંશની સફળતાને પરીણામે ભારતને મેન્સ ટીમ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો.
આ સાથે એશિયન એર ગન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતે રવિવાર સુધીમાં કુલ 18 મેડલ મેળવ્યા હતા, તેમાંથી 12 તો ગોલ્ડ મેડલ છે. ઉપરાંત ભારતીય શૂટરોએ ૪ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. ઈલાવેનિલ, અપૂર્વી અને મેઘનાની ત્રિપુટી ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીતી ગઈ હતી.
શનિવારે માનુ ભાકેર અને સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. માનુએ 10 મીટર એર પિસ્ટલમાં તો સૌરભ ચૌધરીએ પુરૂષોની ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અભિષેક વર્માએ 10 મીટર એર પિસ્ટલમાં વ્યક્તિગત સિલ્વર મેડલ મેળવ્યો હતો.
મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સૌરભ વર્મા – માનુનો વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડઃ
સૌરભ વર્મા અને માનુ ભાકેરની જોડીએ ૧૦ મીટર એર પિસ્ટલની મિક્સ ટીમ ઈવેન્ટમાં નવા વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. તેમણે પોઈન્ટનો ૪૮૪.૮ના નવાે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.
જુનિયર શૂટિંગ ઈવેન્ટમાં ગુજરાતના કેવલ પ્રજાપતિ અને મેહુલી ઘોષની જોડીએ ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતી લીધો હતો. જ્યારે સિનિયર ઈવેન્ટમાં ગુજરાતની ઈલાવેનિલ વાલારિવન અને રવિ કુમારની જોડીએ ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.
કેવલ પ્રજાપતિ અને મેહુલી ઘોષની જોડીએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ૮૩૮.૫ના સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતુ. તો ભારતના જ શ્રેયા અગ્રવાલ અને યશ વર્ધન ૮૩૧.૨ ના સ્કોર સાથે બીજા ક્રમે રહ્યા હતા. જોકે ફાઈનલમાં શ્રેયા અને યશની જોડી આગળ નીકળી ગઈ હતી અન તેમણે માત્ર ૦.૪ પોઈન્ટ્સના અંતરથી કેવલ અને મેહુલીને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. શ્રેયા અને યશે ૪૯૭.૩ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ તથા મેહુલ અને કેવલને ૪૯૬.૯ના સ્કોર સાથે સિલ્વર મેડલ મળ્યો હતો.