લોર્ડ જિતેશ ગઢીયાએ 25 ફેબ્રુઆરીએ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે માર્શલ સોસાયટી અને ઇન્ડિયા સોસાયટીને ‘એશિયાની આર્થિક સદીમાં ભારતની ભૂમિકા’ વિષય પર સંબોધન કર્યું હતું. લોર્ડ ગઢીયા તેમના અર્થશાસ્ત્રના વિદ્યાર્થીકાળ દરમિયાન માર્શલ સોસાયટી અને ઇન્ડિયા સોસાયટીના સભ્ય રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડિયા સોસાયટીની સ્થાપના સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કરી હતી. આ સોસાયટી સાથે કેટલીક ઐતિહાસિક ગાથાઓ પણ જોડાયેલી છે. ભારતના અન્ય ભૂતપૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંઘ યુકેમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ પણ આ બંને સોસાયટીના સભ્ય રહી ચૂક્યા છે. બીબીસીના પત્રકાર માર્ક ટલીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મનમોહન સિંઘે તેમના કેમ્બ્રિજના દિવસો અંગે જણાવ્યું હતું કે, ‘રાજકારણમાં પ્રથમવાર માનવીય બાબતોને આકાર આપવાની સર્જનાત્મક ભૂમિકા ભજવવાની આવી ત્યારે હું સચેત થઇ ગયો હતો. અને હું મારા ગુરુ જોન રોબિન્સન અને નિકોલસ કાલડોરનો ઋણી છું. (આ બંને માર્શલ સોસાયટીના સભ્ય છે)’ લોર્ડ ગઢીયાએ વધુમાં જણાવ્યું હતું કે, અસંભવતા અંગે જણાવતા તથા જોન રોબિન્સનના શ્રેષ્ઠ પ્રયાસો છતાં મને વધુ શંકા છે કે મનમોહન સિંઘે ક્યારેય વિચાર કર્યો હશે કે તેઓ એક દિવસ ભારતના વડાપ્રધાન બનશે અને મેં પણ નહોતું વિચાર્યું કે હું પણ હાઉસ ઓફ લોર્ડઝમાં સેવા આપીશ. બ્રિટિશ ઇતહાસના મહત્ત્વના તબક્કે પાર્લામેન્ટ સાથે જોડાઇને હું મારી જાતને ખુશનસીબ માનું છું, કારણ કે, આપણે બ્રેક્ઝિટના નવા પડકારોની પકડમાં છીએ. હાઉસ ઓફ લોર્ડઝના એક યુવાન સભ્ય તરીકે બ્રેક્ઝિટ અંગેની દ્વિધા અને તેના નિર્ણયના કારણે આવનારી પેઢીઓના ભવિષ્ય પર તેની અસર પડશે તેવું જણાવ્યું હતું.
તેમણે એશિયન ઇકોનોમિક સેન્ચ્યુરી અંગે પણ પોતાના વિચારો વ્યકત કરતા જણાવ્યું હતું કે, એક ઐતિહાસિક પ્રદેશ તરીકે એશિયા દાવો કરી રહ્યું છે અને એશિયન સેન્યુરીનું નેતૃત્ત્વ ચીન કરશે, જ્યારે ભારત આગળ જતા મહત્ત્વની ભૂમિકા ભજવશે. 2011માં એશિયન ડેવલપમેન્ટ બેન્કે જાહેર કરેલા રીપોર્ટ- ‘એશિયા 2050’માં એવી આગાહી કરાઈ હતી કે, વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં એશિયાનો હિસ્સો 52 ટકા સુધી હશે, જ્યારે માથા દીઠ આવકમાં 6 ગણો વધારો થશે અને તેના કારણે વધુ 3 બિલિયન એશિયન્સ યુરોપ જેવી જીવન શૈલી માણી શકશે.
આવનારા દિવસોમાં એશિયન સેન્ચુરીનું નેતૃત્વ ચીન કરશે, અનેક દાયકાઓ સુધી તેનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) બે આંકડામાં રહ્યો છે. તેના વિકાસ માટે વસ્તીવિષયક બાબતોની અનુકુળતા, ઉત્પાદકતા અને રોકાણ મુખ્ય કારણો છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેત પેદાશોનું ઉત્પાદન વધતા કૃષિ ક્રાંતિ દરમિયાન ઓછું વેતન મેળવતા કૃષિ કામદારો શહેરી વિસ્તારમાં સ્થાયી થયા. આ પરિસ્થિતિને કારણે ચીનના ઔદ્યોગિકરણમાં મહત્ત્વના તત્ત્વો ઉમેરાયા અને તેથી વૈશ્વિક વેપાર અને બજારના નવા અર્થતંત્રનો ઉદભવ થયો.
હવે એશિયન ઇકોનોમિક સેન્ચુરી વિકસાવવા માટે ચીન પછી ભારતને નેતૃત્વ સોંપવામાં આવ્યું છે, વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. અન્ય દેશો અને પ્રદેશોની તુલનાએ ભારતનો વિકાસ દર વધી રહ્યો છે. જ્યારે ચીનનો વિકાસ મંદ પડવાની સંભાવના છે, તો તેની અસર ભારત પર પડવાની સંભાવના ખૂબ જ ઓછી છે.
લોર્ડ જીમ ઓ’ નીલ ગોલ્ડમેન સેશ સાથે હતા ત્યારે તેમણે રીસર્ચ પેપર લખ્યા હતા. જેમાં તેઓ તેને ‘ટેન થિંગ્સ ફોર ઇન્ડિયા ટુ એચિવ ઇટ્સ 2050 પોટેન્શિયલ’ કહે છે.
આ દસ મુદ્દા અંગે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લોર્ડ જીતેશ ગઢીયા અને લોર્ડ જીમ ઓ’ નીલે ગાંધીનગર ખાતે 2013માં ચર્ચા કરી હતી. આ દસ મુદ્દામાં શાસન વ્યવસ્થા સુદ્રઢ બનાવવી, પ્રાથમિક શિક્ષણની સિદ્ધિઓ વધારવી, યુનિવર્સિટીઝની ગુણવત્તા અને સંખ્યા વધારવી, સર્વસ્વીકૃત નાણાકીય નીતિ બનાવવી, આર્થિક બજારને ઉદાર બનાવવા, પાડોશી દેશો સાથે વ્યાપારિક સંબંધો વિકસાવવા, કૃષિ ઉત્પાદકતા વધારવી, પાયાની સુવિધાઓ સુધારવી અને પર્યાવરણની ગુણવત્તા વધારવા જેવા સૂચનોનો સમાવેશ થાય છે.
આવનારી સદીમાં એશિયાઇ દેશો ઉંચો આર્થિક વિકાસ સાધી શકે તેવા સ્થાને છે. ઇન્ડિયા અડધું કાર્ય પણ પૂર્ણ કરે તો આવનારા 30-40 વર્ષમાં મહત્ત્વનું સ્થાન મેળવીને નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે. ભારતે એશિયાની આર્થિક સદીને વેગ આપવા માટે રાજકીય પડકારો પાર પાડવા પડશે.