નવેમ્બરના અંતિમ દિવસો અને ડીસેમ્બરના આરંભે દક્ષિણ ભારતમાં કેરાલા, તામિલનાડુ જેવા રાજ્યોમાં ઓખી વાવાઝોડાએ ખાનાખરાબી સર્જી હતી. એ વાવાઝોડું સોમવારે આ અહેવાલ તૈયાર થતાં સુધીમાં ગોવાને ધમરોળી ચૂક્યું હતું અને મંગળ કે બુધવારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ત્રાટકે તેવી ચેતવણી હવામાન ખાતાએ આપી છે.
ગુજરાતના મુખ્ય સચિવ   ર્ડા. જે. એન. સિંહે મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે સંલગ્ન તમામ જિલ્લાઓના કલેકટર અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને વહીવટીતંત્ર દ્વારા લેવાયેલાં પગલાંની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે તમામ જિલ્લાઓના તમામ અધિકારીઓને એલર્ટ રહેવા તાકીદ કરી હતી. દરિયામાં ગયેલા માછીમારોને તાત્કાલીક પરત બોલાવવા રાજ્ય સરકારે ખાસ ઝૂંબેશ હાથ ધરી હતી. મંગળવારે બપોર સુધીમાં ૧૩,૦૦૦થી વધુ બોટો પરત દરિયાકિનારે આવી ગઈ હતી. રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીને નુકશાન ન થાય એ માટે પણ યુદ્ધના ધોરણે પગલાં લેવાયાં છે. રાજ્યમાં મગફળીની ૬ લાખથી વધુ બોરીઓને ગોડાઉનમાં અથવા તો શેડ કે તાડપત્રી હેઠળ સલામત રાખવામાં આવી છે. ઓખી વાવાઝોડાંને કારણે અચાનક આવી પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાનની શક્યતા છે.મંગળવારે સવારથી રાજ્યના ૭૪ જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારી જિલ્લાના ખેરગામમાં ર૧ મી.મી. વરસાદ પડયો છે. ઓખી’સુરત નજીક દરિયાકાંઠાને સ્પર્શ કરશે એવી સંભાવનાને પગલે સુરત જિલ્લાના ર૯ જેટલા ગામો દરિયાકિનારે આવેલાં છે. આ ર૯ ગામોના ૮૯૦ પરિવારોની ૩,૩૬૦ જેટલી વ્યક્તિઓને કામચલાઉ ધોરણે આગોતરાં પગલાં તરીકે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તો બીજી બાજુ ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં ૭,૦૦૦થી વધુ અગરીયાઓને પણ સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી.  સોમવારે સાંજથી ઓખી વાવાઝોડાને કારણે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે અમદાવાદ સહિતના રાજ્યના ઘણા વિસ્તારોમાં જનજીવન પર માંઠી અસર થઈ છે. અમદાવાદની વાત કરીએ તો યંગસ્ટર્સ આ કમોસમી વરસાદને પણ એન્જોય કરી રહ્યાં છે પણ બાળકો તથા વડીલોના સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસર થઈ રહી છે.શિયાળાની ઋતુમાં અચાનક વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ બાળકો તથા વૃદ્ધોના સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. ઓખીના કારણે મહત્તમ તાપમાન સામાન્ય કરતા લગભગ 4 ડિગ્રી ઓછું થઈ ગયું હતું. સામે લઘુત્તમ તાપમાનનો પારો પણ ઘણો નીચે જતો રહ્યો હતો. શહેરના રોડ પર ટ્રાફિક પણ સામાન્ય કરતા ઘણો ઓછો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે વરસાદની સીઝનમાં ટ્રા્ફિક ઘણી મોટી સમસ્યા બની જતી હોય છે પણ આ કમોસમી વરસાદમાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.
ઓખી વાવાઝોડાંને કારણે અચાનક આવી પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાની શક્યતા છે. હાલ ખેડૂતો અણધાર્યા વરસાદને કારણે મુશ્કેલીમા મૂકાયા છે. જુનાગઢ જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.   એક તરફ મગફળીમાં પોષણક્ષમ ભાવો મળ્યા નથી, ત્યારે આ શિયાળુ પાકમાં પણ કમોસમી વરસાદથી નુકશાની થશે તો ખેડૂતોની હાલત વધુ કફોડી બનશે. IMD દ્વારા કરવામાં આવેલી હવામાનાનની આગાહી બાદ, આવા વાદળછાયા વાતાવરણને કારણે સૌરાષ્ટ્રમાં જીરા અને કોથમીરના પાકને નુકસાન પહોંચશે. આ પાકની વાવણી એક મહિના પહેલા જ કરવામાં આવી છે અને તેની લણણી માટે પણ હજી એક મહિનાની વાર છે. જીરૃં અને કોથમીર ઘણાં સંવેદનશીલ પાક છે, અને આવા વાતાવરણમાં ઘણાં જલ્દી રોગ લાગી જાય છે. કમોસમી વરસાદ ઘઉં અને ચણાની વાવણી માટે મદદરૂપ સાબિત થશે. અન્ય પાકોની વાવણી થઈ ગઈ છે, માટે બની શકે કે આ વાતાવરણને કારણે તેમાં ઉપદ્રવ થાય.  જીરામાં આ શકયતા ઘણી વધારે છે. આ તો એ પાકોની વાત થઈ, જે ખેતરમાં પાકી ગયો છે. હવે જે ખેડૂતો નવો પાક વાવવાની તૈયારી કરી રહ્યા છે, તેઓ પણ ચિંતામા મૂકાયા છે. ભરૂચમાં કપાસના પાકની લણણી કરવાની હજી બાકી છે અને આ વરસાદને કારણે તેની ગુણવત્તામાં ચોક્કસપણે ફરક જોવા મળશે. વરસાદને કારણે કપાસ પીળો પડી જાય છે. ઉત્તર ગુજરાતમાં જીરાના પાકને નુકસાન થાય તેવી શકયતાઓ છે. કમોસમી વરસાદથી શિયાળાના કારેલા, દૂધી, જેવા પાકને નુકસાન થઈ શકે છે. આ સિવાય ટામેટા, મરચાં, રિંગણ વગેરેના પાકને પણ અસર થશે.