નવા વર્ષમાં વડાપ્રધાન મોદીએ ઈન્ટરવ્યૂ થકી વિરોધી પાર્ટીઓ પર નિશાન સાધ્યા બાદ કોંગ્રેસે આજે રાફેલ ડીલ અંગે એક ઓડિયો ક્લિપ બહાર પાડીને દાવો કર્યો છે કે ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના બેડરુમમાં રાફેલને લગતી ફાઈલો છે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આજે એક ઓડિયો ક્લીપ જાહેર કરીને કહ્યુ હતુ કે આ ઓડિયો ક્લિપમાં ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેની કોઈની સાથે વાતચીત રેકોર્ડ છે.જેમાં રાણે કહી રહ્યા છે કે મનોહર પરિકરના બેડરુમમાં રાફેલની ફાઈલો પડેલી છે. જોકે સૂરજેવાલાએ ગોવાના મંત્રીની કોની સાથેની વાતચીતની ક્લિપ છે તેનો ખુલાસો કર્યો નથી.સૂરજેવાલાએ કહ્યુ હતુ કે આ વાતચીત તમામ આરોપોની પુષ્ટિ કરે છે જેમાં રાફેલ ડીલમાં કોઈક ગરબડ છે.આ માટે ચોકીદાર જ જવાબદાર છે.
સૂરજેવાલાએ કહ્યુ હતુ કે ગોવા કેબિનેટમાં રાફેલ ડીલ પર હંગામો થયો હતો.જેમાં પરિકરે કહ્યુ હતુ કે મારુ કોઈ કશું બગાડી નહી શકે,કારણકે રાફેલ ડીલની ફાઈલો મારી પાસે છે. રાફેલ ડીલ થઈ ત્યારે પરિકર ભારતના સંરક્ષણ મંત્રી હતા. જોકે ગોવા સરકારના મંત્રી વિશ્વજિત રાણેએ પ્રત્યાઘાત આપતા કહ્યુ હતુ કે આ ઓડિયોને લઈને હું કન્ફ્યુઝ છું.કારણકે હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયો હોવાથી મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.