ઓરોબિન્દો ફાર્મા અમેરિકા સ્થિત સ્પેક્ટ્રમ ફાર્માસ્યુટિકલ્સની સાત બ્રાન્ડેડ ઓન્કોલોજી ઈન્જેક્ટેબલ પ્રોડક્ટ્સ 300 મિલિયન ડોલરમાં ખરીદી લેશે. કંપની આ સોદા પેટે 160 મિલિયન ડોલરની અપફ્રન્ટ ચૂકવણી કરશે. જરૂરી મંજૂરી મળવાની સાથે જ આ સોદો ત્રણ મહિનામાં પાર પાડી લેવાશે.
ઓરોબિન્દોની સબસિડરી એક્રોટેક બાયોફાર્મા અને સ્પેક્ટ્રમ ફાર્મા વચ્ચે થયેલા કરાર મુજબ કંપની 16 0 મિલિયન ડોલર અપફ્રન્ટ કેશ ચૂકવણી કરશે અને બાકીના 14 કરોડ ડોલર આ સાત પ્રોડકટ્સના રેગ્યુલેટરી અને સેલ્સ-બેઝ્ડ માઈલસ્ટોન પ્રાપ્ત થાય પછી ચૂકવશે. આ એક્વિઝિશનથી ઓરોબિન્દો ફાર્મા અમેરિકાના બ્રાન્ડેડ ઓન્કોલોજી માર્કેટમાં પ્રવેશ કરશે. આ ડીલના ભાગરૂપે કંપની અમેરિકાના માર્કેટમાં મજબૂત બ્રાન્ડેડ કોમર્શિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકશે. આ એક્વિઝિશન એક્રોટેકને મજબૂત રીતે પ્રસ્થાપિત કરવા માટેનું આ લોન્ચ પેડ બની રહેશે તેમ કંપનીએ કહ્યું હતું. ઓરોબિન્દોના પોર્ટફોલિયોમાં આ સાત પ્રોડક્ટ્સ આવી જતા પ્રથમ 12 મહિનામાં કંપનીની આવકમાં 100 મિલિયન ડોલરનો વધારો થશે તેવો અંદાજ કંપનીએ વ્યક્ત કર્યો છે.