ઓલ ઈંગ્લેન્ડ બેટમિંટન ચેમ્પિયનશીપમાં ભારતના ખેલાડીઓ આ વર્ષે પણ ટાઈટલની સ્પર્ધામાંથી ખૂબજ વહેલા બહાર ફેંકાઈ ગયા હતા. ભારતની આખરી આશા જેના ઉપર હતી તે કિદામ્બી શ્રીકાંત મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર વન જાપાનીઝ ખેલાડી મોમોટા સામે શનિવારે જ હારી ગયો હતો. જાપાનીઝ ખેલાડી મોમોટાએ શ્રીકાંતને ૨૧-૧૨, ૨૧-૧૬થી હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. અગાઉ મહિલા સિંગલ્સમાં ભારતની ૨૦૧૫ની ફાઈનલીસ્ટ સાયના નેહવાલ વર્લ્ડ નંબર વન, તાઈપેઈની તાઈ ત્ઝુ યીંગ સામે હારી ગઈ હતી. શ્રીકાંત વર્લ્ડ નંબર વન સુપરસ્ટાર સામે ટકી શક્યો નહોતો અને મોમોટાએ મેચમાં શરૂઆતથી પ્રભાવ જમાવી દીધો હતો. શ્રીકાંતનો મોમોટા સામે આ સતત આઠમો પરાજય છે.
ભારતને આ વખતે સાયના, સિંધુ અને શ્રીકાંત પાસેથી ટાઈટલ જીતવાની આશા હતી. જોકે સિંધુ તો પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર ફેંકાઈ ગઈ હતી. જ્યારે સાયના અને શ્રીકાંતે અનુક્રમે મેન્સ અને વિમેન્સ સિંગલ્સમાં બે-બે મેચો જીતી હતી.
સાયનાનો શુક્રવારે ક્વાર્ટર ફાઈનલમાં પરાજયઃ વર્લ્ડ નંબર વન ચાઈનીઝ તાઈપેઈની ખેલાડી તાઈ ત્ઝુ યીંગ સામેની મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં સાયનાનો ૧૫-૨૧, ૧૯-૨૧થી પરાજય થયો હતો.
સાયના છેલ્લા કેટલાક સમયથી તાઈપેઈની યીંગ સામે સતત હારતી રહી છે અને બર્મિંગહામમાં યીંગ સામે તેનો આ સતત ૧૩મો પરાજય હતો. એકંદરે સાયના અને યીંગ વચ્ચે ૨૦ મુકાબલા ખેલાયા છે, જેમાંથી ૧૫ યીંગ અને પાંચમાં સાયના મેચમાં વિજેતા બની છે. સાયના ૨૦૧૫થી યીંગ સામેની એક પણ મેચ જીતી શકી નથી.
સિંધુ પ્રથમ રાઉન્ડમાં જ આઉટઃ ભારતની ટોચની બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુનો ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપના પહેલા જ રાઉન્ડમાં બુધવારે અણધાર્યો પરાજય થયો હતો. વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠો ક્રમાંક ધરાવતી પી.વી. સિંધુ ૧૧મો ક્રમાંક ધરાવતી સાઉથ કોરિયાની સુંગ જી હ્યુને ત્રણ ગેમના જોરદાર સંઘર્ષ બાદ ૧૬-૨૧, ૨૨-૨૦, ૧૮-૨૧થી પરાજીત કરી હતી. આ સાથે સિંધુ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.