વર્લ્ડ કપમાં ઓવલના મેદાન પર હરીફ ઓસ્ટ્રેલિયા હોય તો ભારત તરફથી એકાદ સદી તો નોંધાય જ તે પરંપરા જાળવી રાખીને શિખર ધવને રવિવારે આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં કાંગારું ટીમ સામે શાનદાર સદી નોંધાવીને ભારતને 36 રનથી વિજય અપાવ્યો હતો. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત તરફથી અત્યાર સુધીમાં માત્ર એેક જ સદી નોંધાઈ હતી પરંતુ એ મેચમાં ભારત હાર્યું હતું જ્યારે આ વખતે વિરાટ કોહલીની ટીમને વિજય હાંસલ કરવામાં સફળતા મળી હતી. જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
અહીંના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રવિવારે રમાયેલી વર્લ્ડ કપની લીગ મેચમાં 352 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યા બાદ ભારતનો 36 રનથી વિજય થયો હતો.ભારતે મેચના પ્રારંભથી જ પોતાનો પ્રભાવ પાડી દીધો હતો. શિખર ધવન અને રોહિત શર્માએ શાનદાર પ્રારંભ કર્યો હતો. બંનેએ સદીની ભાગીદારી નોંધાવી હતી. ધવને કારકિર્દીની 17મી સદી નોંધાવી હતી તો રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે પોતાના 2000 રન પૂરા કર્યા હતા.
રોહિત અને ધવને જંગી સ્કોરનો પાયો નાખ્યો હતો જેનો લાભ ઉઠાવીને વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોનીએ પરિસ્થિતિને અનુરૂપ બેટિંગ કરી હતી.ઓસ્ટ્રેલિયા માટે સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરે ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડવા માટે ઘમો સંઘર્ષ કર્યો હતો. બંનેએ સ્કોર 133 સુધી પહોંચાડ્યો હતો પરંતુ વોર્નર અને ત્યાર બાદ ઉસ્માન ખ્વાજા આઉટ થયો તે સાથે ભારત માટે ઔપચારિકતા બાકી રહી ગઈ હતી. વોર્નરે 56 રન ફટકાર્યા હતા તો સ્મિથે સળંગ બીજી મેચમાં અડઘી સદી નોંધાવીને 69 રન ફટકાર્યા હતા.