વ્હેલ અને શાર્ક માછલીના નવા જન્મેલા બચ્ચા માટે ગુજરાતનો દરિયા કિનારો બધી રીતે યોગ્ય હોવાનું પર્યાવરણવાદીઓનું માનવું છે.  વ્હેલ શાર્ક બ્રીડિંગ માટે રાજ્યના દરિયા કિનારે આવી રહી છે. સુત્રાપાડા વિસ્તારના માછીમારોએ નવી જન્મેલી શાર્ક વ્હેલ માછલી પકડીને તેને છોડી મૂકી હતી. વર્ષ 2008માં ગુજરાતના દરિયા કિનારેથી વ્હેલ માછલી મળી આવ્યા પછી ગુજરાત વન વિભાગ, વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને ટાટા કેમિકલ્સ લિમિટેડ દ્વારા તેમના રક્ષણ માટે સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ભાવનગરથી જામનગર સુધીના દરિયામાં દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ માસમાં સેંકડો વ્હેલ આવે છે. વેરાવળ, ચોરવાડ અને પોરબંદર દરિયાઇ પટ્ટી વ્હેલશાર્કનું પ્રિય સ્થળ છે. અત્યારના સમયમાં ગુજરાતના દરિયામાં ઉષ્ણકટિબંધના કારણે પાણી હૂંફાળું રહે છે. ૨૧થી ૨૫ સેલ્શિયસ તાપમાન તેમજ ફોટો પ્લાંક્ટન તરીકે ઓળખાતી દરિયાઇ શેવાળનો પૂરતો ખોરાક આ સમયગાળામાં વ્હેલ શાર્કને મળે છે. સાથે સુરક્ષિત માહોલના કારણે વ્હેલ શાર્ક પ્રસૂતિ માટે અહીં આવે છે. છેક ઓસ્ટ્રેલિયા અને સાઉદી એશિયાથી હજારો નોટીકલ માઇલનું અંતર ખેડીને ડિસેમ્બર આવતા જ વ્હેલશાર્ક ગુજરાતના દરિયાકાંઠે આવવા માંડે છે. ચારેક માસ રોકાઇને બચ્ચાને જન્મ આપીને નવજાત બચ્ચા સાથે માર્ચ આવતા સુધીમાં ગરમી વધી જતા પરત ફરે છે.અનુભવી સૂત્રોના અંદાજ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠે દરવર્ષે ૮૦૦-૯૦૦ વ્હેલશાર્ક બચ્ચાને જન્મ આપવા માટે આવે છે.