પૂર્વ આફ્રિકા ખંડના દેશ યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં સ્થાનિક લોકપ્રિય વિપક્ષી સાંસદ બોબી વાઈનની ધરપકડ કરવામાં આવતાં કમ્પાલામાં ઠેર ઠેર હિંસક તોફાનો ફાટી નીકળ્યાં હતા. યુગાન્ડામાં એકાદ લાખ ગુજરાતી વસવાટ કરતા હોવાના અંદાજે કમ્પાલાના તોફાનોએ ગુજરાત અને રણપ્રદેશ કચ્છમાં અજંપો સર્જ્યો છે.
કચ્છના એનઆરઆઈ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ નવીન કંસારાએ આ અંગે જણાવ્યું હતું કે, યુગાન્ડા અને કમ્પાલામાં અનેક કચ્છીઓ દાયકાઓથી વેપાર-ધંધા અર્થે સ્થાયી થયેલાં છે અને હાલે કમ્પાલાના તોફાનો બેકાબૂ બનતાં વતન કચ્છમાં રહેતાં તેમના પરિવારજનો અને સંબંધીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. પૂર્વ આફ્રિકાના યુગાન્ડા, ટાન્ઝાનીયા અને કેન્યામાં હજારોની સંખ્યામાં કચ્છીઓ વસવાટ કરે છે. પોલીસે તોફાનીઓની ધરપકડ કરી છે. કમ્પાલામાં રહેતા તમામ ભારતીય નાગરિકો સલામત છે, પરંતુ પરિસ્થિતિ પર ભારતનું વિદેશ મંત્રાલય પણ ચાંપતી નજર રાખી રહ્યું છે.