કચ્છમાં દુષ્કાળ હવે ભૂતકાળ બનશેઃ મોદી

0
700
Narendra Modi

નર્મદાનાં નીર કેવડિયાથી ૬૦૦ કિમીની લાંબી મજલ કાપીને કચ્છમાં આજે પહોંચ્યા છે ત્યારે તેના થકી કચ્છમાં હવે હરિત ક્રાન્તિ થશે અને દુષ્કાળને દેશવટો મળશે એવો વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના ભચાઉ ખાતે ટપ્પર ડેમની કેનાલમાં નર્મદાનાં નીરને વહાવીને તેનાં વધામણાં કરતાં વ્યક્ત કર્યો હતો. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ ભચાઉમાં પમ્પિંગ સ્ટેશનમાં નર્મદા નહેરની કચ્છ શાખામાં પાણી વહાવ્યા બાદ જાહેરસભાને સંબોધતાં કહ્યું હતું કે નર્મદાનું આ પાણી આવતાં કચ્છમાં દુષ્કાળ હવે ભૂતકાળ બનશે. આ પાણી કચ્છ માટે નવી શકિત લઇને આવ્યું છે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ દેશના પ્રથમ કક્ષાના બંદર કંડલા ખાતે રૂ.૯૯૬ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતાં કંડલા બંદરને ઈરાનના ચાભર બંદર સાથે કનેક્ટિવિટી આપવાની જાહેરાત કરી હતી. આગામી દિવસોમાં કંડલા પોર્ટ પર રૂ.૧૦૦૦ કરોડનાં રોકાણો આવી રહ્યાં હોવાની જાહેરાત કરીને મોદીએ કહ્યું હતું કે અન્ય રાજ્યો સાથે આ બંદરને જોડવાથી વિશ્વભરમાં વેપાર માટે તેને મોટું સ્થાન મળશે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે સમગ્ર દેશ પં.દીનદયાલ ઉપાધ્યાયની જન્મશતાબ્દિ ઉજવી રહ્યો છે ત્યારે કંડલા બંદરનું નામાભિધાન ‘પંડિત દીનદયાલ કંડલા પોર્ટ’ તરીકે કરવા વડાપ્રધાન મોદીએ સૂચન કર્યું હતું. તેમણે કંડલાને મીની ભારતનું બિરુદ આપીને એવી આશા પણ વ્યક્ત કરી હતી કે આ બંદર વૈશ્વિક વ્યાપાર અને દરિયાઈ અર્થતંત્રને નવી દિશા આપવા સક્ષમ છે. ૨૦૨૨ની સાલમાં દેશની આઝાદીનાં ૭૫ વર્ષ નિમિત્તે દેશને નવી ઊંચાઈ પર લઈ જવાનું પણ આહવાન કરી આજથી જ સંકલ્પબદ્ધ થઇ જવા વડાપ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું.
મોદી કચ્છીમાં બોલતાં લોકો ખુશખુશાલ: કંડલા બંદર ખાતે વિકાસકામોના લોકાર્પણ પ્રસંગે કરેલા સંબોધનની શરૂઆત વડાધાન મોદીએ કચ્છી બોલીમાં કરતાં કહ્યું હતું કે ‘કીં આયો ભાઈઓ બહેનો, યાદ કરોંતાં મૂકે..’ વડાપ્રધાનના મુખેથી કચ્છી શબ્દો સાંભળતાં લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. કંડલા પોર્ટના માળખાકીય વિકાસને વેગ આપતા બે જનરલ બર્થના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ મોદીએ આ પ્રસંગે કર્યો હતો. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કંડલા પોર્ટના અન્ય ત્રણ મહત્વના પ્રોજેક્ટ્સને પણ મંજૂરી અપાઈ હતી. જેમાં બે રેલવે ઓવરબ્રિજ, બે મોબાઇલ હાર્બર ક્રેઈન, ફર્ટિલાઇઝર હેન્ડલિંગ મિકેનિઝમનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

16 + three =