મોદી સરકારે પોતાની બીજી ઈનિંગમાં સરકારી વિભાગોમાં ‘સ્વચ્છતા અભિયાન’ એટલે કે ભ્રષ્ટાચારી અધિકારીઓની હકાલપટ્ટી કરવાનો સિલસિલો હજી પણ યથાવત્ છે. મંગળવારે ફરી એક વખત સરકારે ટેક્સ વિભાગના 15 સીનિયર અધિકારીઓને જબરજસ્તી નિવૃતી પર ઉતારવાનો નિર્ણય કર્યો છે. આમાં કમિશનર, ચીફ કમિશનર અને એડિશનલ કમિશનર લેવલના અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ પહેલા પણ નાણામંત્રી નિર્મલા સીતારમને નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળતા જ આકરા પગલા ભર્યા હતા. ગયા અઠવાડિયે ટેક્સ વિભાગના જ 12 વરિષ્ઠ અધિકારીઓને જબરજસ્તીથી રિટાયર કરી દીધા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના નિયમ 56 અંતર્ગત નાણા મંત્રાલયે આ અધિકારીઓને સરકાર સમય કરતા પહેલા જ રિટાયરમેન્ટ આપી રહી છે.
ગયા અઠવાડિયે નિયમ 56 અંતર્ગત રિટાયર કરાયેલા દરેક અધિકારી આવક વેરા વિભાગમાં ચીફ કમિશનર, પ્રિન્સિપલ કમિશનર અને કમિશનર જેવા ઉચ્ચ પદ પર બિરાજેલા હતા. આમાંથી કેટલાક અધિકારીઓ પર કથિત રીતે ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર અને બેનામી સંપત્તિઓ ઉપરાંત યૌન શોષણ જેવા ગંભીર આરોપો પણ લાગેલા હતા.
આ 12 અધિકારીઓમાં અશોક અગ્રવાલ (IRS 1985), એસકે શ્રીવાસ્તવ (IRS 1989), હોમી રાજવંશ (IRS 1985), બીવી રાજેન્દ્ર પ્રસાદ, અજોય કુમાર સિંહ, બી અરુલપ્પા, આલોક કુમાર મિત્રા, ચાંદર સેન ભારતી, અંડાસુ રવીન્દ્ર, વિવેક બત્રા, સ્વેતાભ સુમન અને રામ કુમાર ભાર્ગવનો સમાવેશ થાય છે.