ટીવી ચેનલ પર રજૂ થતા ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોમાં જજ તરીકે સેવા આપવા સંમત થયેલી મોખરાની અભિનેત્રી કરીના કપૂરે કહ્યંુ હતું કે મેં ટીવી શોમાં હાજરી આપવા માટે કેટલીક શરતો મૂકી હતી જે સ્વીકારવામાં આવી એટલે મેં હા પાડી હતી. ‘હું કોઇ પણ સંજોગોમાં રોજ આઠ કલાકથી વધુ સમય નહીં આપી શકું એ મારી પાયાની શરત હતી’ એમ કરીનાએ કહ્યું હતું. પોતાના મહેનતાણાં બાબત એણે ગુપ્તતા જાળવી છે જો કે જાણકાર સૂત્રો કહે છે કે અન્ય કલાકારોની તુલનાએ કરીનાને એપિસોડ દીઠ માતબર રકમ મળવાની છે. કરીનાએ કહ્યું કે શરૃમાં હું સ્યોર નહોતી કે મારે આ શોમાં સહભાગી થવું કે ન થવું. છેલ્લાં દસ વર્ષથી આ શો ચાલે છે. પરંતુ મને કહેવામાં આવ્યું કે અમે શોની કાયાપલટ કરી નાખી છે અને હવે તો બસો કેેમેરા વડે ૩૬૦ ડિગ્રીએથી તમામ ઝીણી ઝીણી બાબતો કવર કરી લેવાના છીએ. જો કે મને શોની ટેક્નિકલ બાબતોમાં બહુ રસ નહોતો. મને તો પોતાના ફિલ્મી કમિટમેન્ટ્સ અને પોતાના પુત્ર તૈમૂરનો સમય ખૂંચવાઇ ન જાય એમાં રસ હતો. એણે કહ્યું કે ક્યારેક અપવાદ રૃપે આઠને બદલે દસ કે બાર કલાક થઇ જાય તો મને વાંધો નહોતો પરંતુ કાયમ બાર કલાક શૂટિંગ થવાનું હોય તો મેં ઘસીને ના પાડી હતી.