ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ આજે સવારે 9 વાગે રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. યેદિયુરપ્પા ત્રીજી વખત કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે. શપથ ગ્રહણ કરવા રાજભવન પહોંચતા પહેલાં યેદિયુરપ્પાએ રસ્તામાં રાધા-કૃષ્ણ મંદિરમાં દર્શન કર્યા હતા. રાજભવન પહોંચતા જ યેદિયુરપ્પાએ બીજેપી નેતાઓ સહિત રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે મુલાકાત કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા બાદ રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને બુકે આપી શુભેચ્છા પાઠવી હતી. યેદિયુરપ્પા (75)એ ભાજપના કેન્દ્રીય અને રાજ્યના નેતાઓ, ધારાસભ્યો વચ્ચે કન્નડ ભાષામાં શપથ લીધા. અગાઉ સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોની બેન્ચે યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર રોક લગાવવાની મનાઈ કરી હતી. શપથ ગ્રહણ બાદ યેદિયુરપ્પા વિધાનસભા પરિસર પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી અનંત કુમાર સહિત પાર્ટીના કેટલાક નેતા તેમની સાથે છે. યેદિયુરપ્પાના શપથ ગ્રહણને લઈને ભાજપ કાર્યાલય અને તેમના નિવાસ સ્થાને જશ્નનો માહોલ રહ્યો. પરંપરાગત નૃત્ય અને બેન્ડબાજા સાથે પાર્ટી સમર્થકોનો મેળાવડો પાર્ટીના કાર્યાલય પર લાગેલો રહ્યો.