કર્ણાટકમાં રાજકીય સંકટ વધી રહ્યું છે. રાજીનામું સ્વીકાર ન થતાં કોંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે . તેમણે સ્પીકર પર આરોપ લગાવ્યો છે કે તેઓ જાણી જોઈને વાર કરી રહ્યા છે. ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે, રમેશ કુમાર તેમના બંધારણીય કર્તવ્યોનું પાલન નથી કરી રહ્યા. તેઓ જાણી જોઈને રાજીનામું સ્વીકારવામાં વાર કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ આ અરજીની સુનાવણી ગુરુવારે કરે તેવી શક્યતા છે.

વિધાનસભા સ્પીકર રમેશ કુમારે મંગળવારે 13માંથી 8 ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. તેમણે કહ્યું કે, 13માંથી 8 રાજીનામા કાયદાકીય રીતે સાચા નથી. આ વિશે રાજ્યપાલ વજુભાઈ પટેલને પણ માહિતી આપવામાં આવી છે. કોઈ પણ બળવાખોર ધારાસભ્યએ મારી સાથે મુલાકાત નથી કરી. મેં રાજ્યપાલને વિશ્વાસ અપાવ્યો છે કે, હું બંધારણ અંતર્ગત કામ કરીશ. જે પાંચ ધારાસભ્યોના રાજીનામા યોગ્ય છે તેમાંથી 3 ધારાસભ્યોને 12 જુલાઈ અને 2 ધારાસભ્યોને 15 જુલાઈએ મળવાનો સમય આપવામાં આવ્યો છે.

કોંગ્રેસ-જેડીએસના 10 બળવાખોર ધારાસભ્યો મુંબઈની રેનેસાં હોટલમાં છે. મુંબઈમાં બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચેલા કોંગ્રેસ નેતા શિવકુમારને મુંબઈ પોલીસે હોટલમાં જતા રોક્યા છે. આ વિશે શિવકુમારે કહ્યું છે કે, તેમણે અહીં રુમ બુક કરાવ્યો છે. અમુક મિત્રો અહીં રોકાયા છે. તેમની વચ્ચે એક નાનો પ્રોબ્લેમ થઈ ગયો છે. હું માત્ર ધારાસભ્યો સાથે વાતચીત કરવા માંગુ છું. અહીં ડરાવવા-ધમકાવવાની કોઈ વાત નથી. અમે એક બીજાનું સન્માન કરીએ છીએ. બીજી બાજુ જેડીએસ નેતા એન.ગૌડાના સમર્થકો રેનેસાં હોટલની બહાર શિવકુમાર ગો બેકની નારેબાજી કરી રહ્યા છે.

હોટલની બહાર તહેનાત પોલીસ વિશે શિવકુમારે કહ્યું છે કે, તેઓ તેમનું કામ કરે છે. અમે અમારા મિત્રોને મળવા આવ્યા છીએ. અમે એક સાથે રાજકારણમાં જન્મ લીધો છે અને એક સાથે જ મરીશું. તેઓ અમારી પાર્ટીના લોકો છે અને અમે તેમને મળવા આવ્યા છીએ.