કોલકાતામાં ટીએમસી અને ભાજપના સમર્થકો વચ્ચે ફાટી નીકળેલી હિંસાને પગલે ચૂંટણીપંચે પશ્ર્ચિમ બંગાળના નવ મતદાર ક્ષેત્રમાં નિયમ કરતા એક દિવસ અગાઉ એટલે કે ગુરુવારે રાતે ૧૦ વાગ્યા સુધીમાં પ્રચાર બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો. હિંસા દરમિયાન બંગાળી સમાજસેવક ઇશ્ર્વરચન્દ્ર વિદ્યાસાગરના પૂતળાની તોડફોડ કરવામાં આવી હતી. છેલ્લા તબક્કાનું મતદાન ૧૯મી મેને દિવસે થવાનું છે અને એ અગાઉ ચૂંટણીપંચે બંધારણની કલમ ૩૨૪નો ઉપયોગ કરીને ચૂંટણી પ્રચાર એક દિવસ વહેલો બંધ કરવાનો આદેશ બહાર પાડયો હતો. આ સાથે ચૂંટણીપંચે રાજ્યના પ્રમુખ સચિવ (ગૃહ) અને સીઆઇડી ખાતાના વધારાના ડિરેક્ટર જનરલની પશ્ર્ચિમ બંગાળમાંથી બદલી કરવાના આદેશ આપ્યા હતા.