ઉત્તર પ્રદેશમાં કાનપુર નજીકના રૂમા ગામ પાસે શુક્રવારે મોડી રાતે રેલવે અકસ્માત સર્જાયો. દિલ્હીથી આવી રહેલી પૂર્વા એક્સપ્રેસને અકસ્માત નડતા 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટનામાં 20 મુસાફર ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે. જોકે ઈજાગ્રસ્તોમાંથી કોઈની પણ સ્થિતિ અત્યંત ગંભીર નથી. દુર્ઘટના બાદ ઘટના સ્થળે રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે.દુર્ઘટનાનો ભોગ બનેલ પૂર્વા એક્સપ્રેસ (ટ્રેન નંબર 12303) હાવડાથી નવી દિલ્હી આવી રહી હતી. પૂર્વા એક્સપ્રેસમાં 900 પ્રવાસીઓ હતા. ટ્રેન કાનપુરથી દિલ્હી માટે રવાના કરી દેવાઈ હતી. દુર્ઘટનાને કારણે આ રૂટ પર દોડનારી 11 ટ્રેનને આજના દિવસ માટે રદ કરી દેવામાં આવી છે. રેલવે તરફથી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. હાવડા-નવી દિલ્હી પૂર્વા એક્સપ્રેસ કાનપુર પહોંચવાની તૈયારીમાં જ હતી અને એવામાં રૂમા ગામ પાસે ટ્રેનના 12 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા. આ દુર્ઘટનામાં પાટા પરથી ઉતરી ગયેલ ડબ્બાઓમાં પ્રવાસ કરી રહેલ તમામ પ્રવાસીઓ સુરક્ષીત છે. દુર્ઘટનામાં 20 જેટલા પ્રવાસીઓને સામાન્ય ઈજા પહોંચી છે.