ટોચની કોલ્ડ ડ્રિન્ક કંપની કોકા-કોલાએ કાફે કોફી ડે (સીસીડી)માં હિસ્સો ખરીદવા માટે એક્સક્લુઝિવ વાતચીત શરૂ કરી છે. સોફ્ટ ડ્રિંક કંપની ઝડપથી વિસ્તરી રહેલા કાફે ક્ષેત્રમાં પગ જમાવવા માંગે છે અને કાર્બોનેટેડ પીણાંના બિઝનેસ સામેના જોખમનું હેજિંગ કરવા માંગે છે. સૂત્રોએ કહ્યું કે, આ વાતચીત પ્રાથમિક તબક્કામાં છે.
કોકા-કોલાના એટલાન્ટા સ્થિત હેડક્વાર્ટર દ્વારા આ સોદા માટે વાતચીત આગળ વધારવામાં આવી રહી છે. કોલા કંપનીની ગ્લોબલ ટીમના અધિકારીઓ મંત્રણામાં જોડાયા છે. તેનાથી કોકા-કોલાને કાફેના ઝડપથી વૃદ્ધિ કરતા બિઝનેસમાં નોંધપાત્ર હિસ્સો મળશે. બીજી તરફ સોફ્ટ ડ્રિંકના વેચાણમાં નરમાઈ આવી છે. જોકે વાતચીત હજુ શરૂઆતના સ્તરે હોવાથી સોદા અંગે કંઈ નક્કી કહી શકાય નહીં.
કોકા-કોલાના પ્રવક્તાએ ઇટીના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે, “આ સમાચાર સંપૂર્ણપણે અટકળો આધારિત છે અને કંપનીની નીતિ પ્રમાણે અમે ટિપ્પણી નહીં કરીએ.” આ વિશે કોફી ડે એન્ટરપ્રાઇઝને મોકલવામાં આવેલા મેઇલનો જવાબ મળ્યો ન હતો.
કાફે કોફી ડેના પ્રમોટર તરીકે વી જી સિદ્ધાર્થ છે અને તેની માલિકી કોફી ડે એન્ટરપ્રાઇઝિસની પેટાકંપની કોફી ડે ગ્લોબલ હસ્તક છે. તે 1,750 કાફે ધરાવે છે અને ઓર્ગેનાઇઝ્ડ કાફે ક્ષેત્રે તે માર્કેટ લીડર છે. દેવું વધવાથી અને સ્પર્ધાના કારણે છેલ્લાં બે વર્ષમાં સીસીડીની વિસ્તરણ યોજના ધીમી પડી છે. નાણાકીય વર્ષ 2018માં તેણે 90 સ્મોલ ફોર્મેટ સ્ટોર્સ બંધ કર્યા હતા.
માર્ચ 2019માં સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં કોફી ડે એન્ટરપ્રાઇઝિસે 76.9 કરોડનો સ્વતંત્ર ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે વાર્ષિક ધોરણે 43.64 ટકા વધ્યો હતો. ક્વાર્ટર દરમિયાન કાફે ચેઇનની ત્રિમાસિક ચોખ્ખી ખોટ 22.28કરોડ હતી જ્યારે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં ખોટ 16.52 કરોડ હતી.