કાશ્મીરના પુલવામાના અવંતિપોરા ખાતે 14 ફેબ્રુઆરીએ સાંજે ભયાનક ત્રાસવાદી હુમલામાં સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 38 જવાનો શહીદ થયા બાદ શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા સમિતિની કેબિનેટ બેઠક બોલાવી હતી. ત્યારબાદ વડાપ્રધાને આ દુઃખદ હુમલા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ત્રાસવાદી જૂથોએ દેશ પર આ હુમલો કરીને ગંભીર ભૂલ કરી છે અને આની ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ આતંકી હુમલા પછી લોકોનું લોહી ઉકળી ઉઠ્યું છે તે હું સારી રીતે સમજું છું. આર્થિક કટોકટીનો સામનો કરી રહેલો પાડોશી દેશ એવું માનતો હોય કે અસ્થિરતાથી ભારતને પાયમાલ કરી શકશે તો તે આવી ભ્રમણામાં ના રહે. ભારતવાસીઓ એક સાથે છે અને રહેશે. જે લોકો ત્રાસવાદના રસ્તે ચાલી રહ્યા છે તે વિનાશ તરફ જઈ રહ્યો છે અને અમે વિકાસનો રસ્તો પસંદ કર્યો છે.

આ હુમલા પાછળ રહેલા અને આતંકને છાવરતા દેશોને છોડવામાં નહીં આવે. આ ક્ષણે હું તમામ માનવતાવાદી શક્તિઓને આ લડાઈમાં સંગઠિત થવા વિનંતી કરું છું. ભારતીય સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે તેમ પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું. ભારતના દુ:ખમાં સહભાગી થયેલા તમામ દેશોનો વડાપ્રધાને આભાર વ્યક્ત કર્યો હતો.

શહીદ જવાનો માટે દુ:ખ વ્યક્ત કરતા મોદીએ જણાવ્યું કે દેશની સેવા કાજે જે જવાનોએ શહીદી વ્હોરી છે તેમની બલિદાનને વ્યર્થ નહિ થવા દેવાય. મારી સંવેદના તેમના પરિવારજનો સાથે છે. દેશના જવાનો અને સેનાની બહાદુરી અને સૌર્ય પર દેશને પૂરો ભરોસો છે તેમ પીએ મોદીએ જણાવ્યું હતું. પીએમ નવી દિલ્હી ખાતે દિલ્હી-વારાણસી વચ્ચે નવી હાઇસ્પીડ ટ્રેન વંદેભારત એક્સપ્રેસને લીલીઝંડી આપવા ત્યાં પહોંચ્યા હતા અને કોઈપણ સજાવટ વગર અને બિલકુલ સાદાઇથી કાર્યક્રમ સંપન્ન કરાયો હતો.