એક્સલુઝીવ

ભારત દ્વારા કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો રદ કરાતા કાશ્મીર સમર્થકો, પાકિસ્તાની સમુદાય અને ખાલીસ્તાની તરફી જૂથો દ્વારા આજે ગુરુવારે, તા. 15 ઑગસ્ટના રોજ બપોરે લંડન સ્થિત ભારતીય હાઇકમિશન સમક્ષ બ્લેક ડે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યુ છે. ઘોડેસવાર પોલીસ, રાયટ પોલીસ અને મેટ પોલીસના લગભગ  200 કરતા વધુ પોલીસ સ્ટાફે સ્થિતી પર કાબુ રાખવા પ્રયત્ન કર્યો હતો. પોલીસની મદદ કરવા 50 જેટલા ખાનગી સીક્યુરીટી ગાર્ડની મદદ લેવાઇ હતી. ભારત તરફી જૂથો દ્વારા ભારતીય હાઇકમિશનના પ્રાંગણમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવ્યું હતુ.

કાશ્મીર તરફી કેટલાક તોફાની તત્વોએ પાણીની બોટલ્સ, ઈંડા અને ચપ્પલ ફેંક્યા હતા. જેમાં ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા આવેલા એક વૃધ્ધને પાણી ભરેલી બોટલ વાગતા આંખ પર ઇજા થઇ હતી. કેટલાક તોફાનીઓએ સ્મોક બોમ્બ વાપર્યા હતા, જેને કારણે પોલીસ હોર્સને કાબુમાં રાખવા મુશ્કેલ બન્યા હતા. તોફાનીઓ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ છીનવી ઘોડાની લાદ લૂછવા પ્રયત્ન કરાતા પોલીસે રાષ્ટ્રધ્વજ છીનવી લીધો હતો.

મોટી સંખ્યામાં કાશ્મીર સમર્થકો ઉમટી પડતા પોલીસ માટે કામગીરી મુશ્કેલ અને કાબુ બહાર ગઈ હતી. પ્રદર્શનકારીઓએ “કાશ્મીર બર્નિંગ, ફ્રી કાશ્મીર, મોદી: મેક ટાય નોટ વોર’’ જેવા બેનરો સાથે ‘’છીન કે લેંગે આઝાદી, મોદી કુત્તા હાય હાયના નારા’’ લગાવ્યા હતા. આશરે 3,000 લોકોએ દેખાવો કર્યા હોવાનો અંદાજ છે.  કાશ્મીરના સમર્થનમાં ઘણા લોકો દ્વરા પાકિસ્તાની અને કાશ્મીરી ધ્વજ લહેરાવાયા હતા.

સામે પક્ષે ભારતીય સમર્થકો દ્વારા “ભારત માતા કી જય, જય હિંદ, ભારત માતા કી જય, વંદે માતરમ, બલુચિસ્તાન કો દેંગે આઝાદી, સિંધ  કો દેંગે આઝાદી’’ જેવા નારા લગાવાયા હતા. લંડનમાં વિરોધ કરવા બર્મિંગહામ, વોલસેલ, પીટરબરો, લુટન, લેસ્ટર, બ્રેડફર્ડ અને અન્ય શહેરોમાંથી 22 કોચ અને કાર દ્વારા લોકો આવ્યા હતા.

પાકિસ્તાન સમર્થક જૂથો દ્વારા ભારતીય હાઇકમિશન ખાતે વિરોધ પ્રદર્શન કરવા મોટા પાયે સોશ્યલ મીડીયા અને પત્રીકા દ્વારા પ્રચાર કરાયો હતો.