કેન્દ્રના વચગાળાના બજેટમાં કિસાનો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અમલમાં મૂકવામાં આવી છે તેમાં બે હેક્ટર સુધીની જમીન ધરાવતા 36 લાખ ખેડૂતોને લાભ મળશે તેવું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે. કેન્દ્રીય બજેટના પ્રત્યાધાત આપતાં તેમણે કહ્યું હતું કે ખેડૂતો, ગ્રામીણ વસ્તી, અસંગઠિત ક્ષેત્રના કામદારો, યુવાઓ, મહિલાઓ અને ઇમાનદાર કરદાતાઓ સહિત સૌને માટે આ બજેટમાં લાભ અપાયા છે. તેમણે વચગાળાના બજેટને દેશહિત-રાષ્ટ્રહિતને સર્વોપરી રાખતા બજેટ તરીકે પ્રસંશા કરતા ગુજરાતની જનતા વતી કેન્દ્રીય મંત્રીમંડળ અને ભારત સરકારનો આભાર પણ વ્યકત કર્યો છે.

રૂપાણીએ આ બજેટમાં મધ્યમવર્ગીય અને પગારદાર કરદાતાઓ માટે ઇન્કમટેક્સની મર્યાદા પાંચ લાખ કરવાની જાહેરાતને મહત્વપૂર્ણ ગણાવતાં કહ્યું કે, ત્રણ કરોડ લોકોને લાભદાયી આ જાહેરાત સાથે જ મકાન સહિતની આવક અને TDSમાં પણ જે રાહત અપાઇ છે અને સ્ટાન્ડર્ડ ડિડકશન 50 હજાર કરવામાં આવ્યું છે તે સામાન્ય માનવી માટે ઉપકારક બનશે. તેમણે ખેડૂતો માટે વિશેષ કાળજી લઇને કેન્દ્રીય બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના શરૂ કરવાની જાહેરાતને આવકારતાં કહ્યું કે, બે હેકટર સુધીની જમીન ધરાવતા નાના કિસાનોને દર વર્ષે 6000 રૂપિયા સહાય આપીને કિસાન કલ્યાણનો ધ્યેય રાખ્યો છે. આ સ્કીમમાં દેશના 12 કરોડ કિસાનોને લાભ મળવાનો છે અને ગુજરાતમાં 36 લાખ ખેડૂતો તેના લાભાર્થી બનશે.

રૂપાણીએ મત્સ્યોદ્યોગને વધુ વેગ આપવા અલાયદો મત્સ્યોદ્યોગ વિભાગ શરૂ કરવાની તેમજ ગૌવંશના જતન-સંવર્ધન અને જીનેટીક નસ્લ માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની જાહેરાતને પણ કૃષિ-પશુપાલન ક્ષેત્ર માટે મહત્વની ગણાવી કહ્યું હતું કે અસંગઠિત ક્ષેત્રના કામદારો-શ્રમિકોના કલ્યાણ તેમજ 60 વર્ષની વયથી તેમને માસિક 3000 પેન્શન આપી 10 કરોડ નાના શ્રમયોગીઓને આવરી લેતી પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના એક ક્રાંતિકારી પગલું છે. કર્મયોગીઓને નવી પેન્શન સ્કીમમાં સરકારના ચાર ટકાથી વધારીને 14 ટકાના યોગદાન અને ગ્રેચ્યુઇટી પણ 20 લાખ કરવાની જાહેરાતને તેમણે આવકારી હતી.

મુખ્યમંત્રીએ ડિઝીટલ ઇન્ડીયા સંકલ્પને ગ્રામીણ સ્તર સુધી પાર પાડવા આવનારા પાંચ વર્ષમાં એક લાખ ગામડાંઓને ડિઝીટલ વિલેજ બનાવવા તેમજ દેશની સુરક્ષા માટે પહેલીવાર કોઇ સરકાર દ્વારા ત્રણ લાખ કરોડના બજેટ ફાળવણીને કેન્દ્ર સરકારની સંવેદના સમાન ગણાવ્યા હતા. રૂપાણીએ રિન્યુએબલ એનર્જીના વપરાશને વેગ આપવા વિન્ડ એન્ડ સોલાર એનર્જી એફીસીયન્સી તેમજ ઇલેટ્રીક વ્હીકલ્સના ઉપયોગથી કલીન ગ્રીન ઇન્ડીયાના વિઝનની પણ સરાહના કરી હતી.