ભારતીય ક્રિકેટ ટીમનો યુવા સુકાની વિરાટ કોહલી બેટ્સમેન અને કેપ્ટન તરીકે હવે લગભગ દરેક મેચમાં કોઈક ને કોઈક રેકોર્ડ તોડતો, નવા રેકોર્ડ સ્થાપિત કરતો જાય છે. દિલ્હી ટેસ્ટની પહેલી ઈનિંગમાં કોહલીએ ડબલ સેન્ચુરી કરી સુકાની તરીકે છઠ્ઠી બેવડી સદી ફટકારી હતી.
કોહલીએ સુકાની તરીકે સૌથી વધુ બેવડી સદીનો બ્રાયન લારાનો રેકોર્ડ તોડયો છે. આ ઉપરાંત કોહલી સતત બે ટેસ્ટ ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારીને અનોખી ક્લબમાં સામેલ થઇ ગયો છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં વોલી હેમન્ડ, ડોન બ્રેડમેન, કુમાર સંગાકારા, વિનાદ કાંબલી, માઇકલ ક્લાર્કે સતત બે ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી છે. કોહલીએ તેની તમામ છ બેવડી સદી છેલ્લા ૪૯૯ દિવસમાં ફટકારી છે. સૌથી ઓછા દિવસમાં સૌથી વધુ બેવડી સદીનો અગાઉનો રેકોર્ડ ડોન બ્રેડમેનને નામે હતો, તેમણે ૫૮૧ દિવસમાં આ સિદ્ધિ મેળવી હતી. જુલાઇ ૨૦૧૬ અગાઉ કોહલીની ટેસ્ટ બેટિંગ એવરેજ ૪૪ હતી, જે હવે ૫૪ થઇ ગઇ છે. ફેબ્રુઆરી ૨૦૧૦ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત સદીની ભાગીદારીનો રેકોર્ડ કોહલી-રોહિતને નામે છે. બંનેએ ૯૨ ઇનિંગ્સમાં ૧૮ વખત સદીની ભાગીદારી કરી છે. સતત બે વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં ૧ હજાર રન કરનારો કોહલી સૌપ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે.