દેશમાં સમયથી પુર્વે આવેલા નૈઋત્યના ચોમાસાની આગેકૂચ અટકી ગયા બાદ પણ વાતાવરણમાં અનેક પ્રકારની વિષમતા જોવા મળી રહી છે. તેના અને ઉતરાખંડના ઉતરકાશીમાં આજે વહેલી સવારે 6.12 કલાકે 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. હજુ બે દિવસ પુર્વે આસામ અને પુર્વોતર ક્ષેત્રમાં પણ 4.9%નો ભૂકંપ આવ્યો હતો. આજે સવારે ઉતરાખંડમાં ભૂકંપના આંચકા બાદ હવે હવામાન વિભાગે રાજયમાં આજે અને કાલે ભારે વરસાદની આગાહી કરી છે તથા દહેરાદૂન તથા ઉધમનગર સહીતના ક્ષેત્રોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજયમાં પૌડી-નૈનીતાલમાં વરસાદ શરુ થઈ ગયો છે તથા અહી 70 કીમીની ઝડપે પવન ફુકાવાની પણ આગાહી કરવામાં આવી છે. બીજી તરફ કેરાળા, આસામ, ત્રિપુરા, મણીપુરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેરાળામાં આજે સવારથી જ ભારે વરસાદથી વધુ ત્રણ લોકોના જીવન લીધા છે અને રાજયમાં મૃત્યુઆંક 26 થયો છે.રાજયમાં અનેક વિસ્તારોમાં પુરના પાણીના કારણે કાચા મકાનો પડી રહ્યા છે. રાજયની એક મુખ્ય નદી ભરતપુજામાં પુરના પાણીથી લગભગ 272 ગામડાઓમાં પુરની સ્થિતિ બની છે. પલકકર જીલ્લામાં પણ ભારે પુરની સ્થિતિ છે. રાજયના ઈડુકી ડેમમાં પાણીની આવક થતા અહી તમામ દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. બીજી તરફ આસામમાં ભારે વરસાદ સાથે પુરથી દોઢ લાખ લોકોને અસર થઈ છે. ત્રિપુરામાં 40 હજાર લોકો બેઘર બન્યા છે. આસામમાં જમીન ધસી પડવાને કારણે અનેક માર્ગો બંધ થઈ જતા ટ્રેન વ્યવહારને પણ અસર થઈ છે. હવામાન વિભાગે દક્ષિણ આસામમાં આગામી 48 કલાકમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.