અમેરિકામાં દક્ષિણ કેલિફોર્નિયામાં શનિવારે બીજા ભયંકર વાવાઝોડાને કારણે મહત્ત્વના હાઇવે બંધ થઇ જતા તે અન્ય રાજ્યોથી વિખુટૂં પડી ગયું હતું અને શહેરના વાઇલ્ડ ફાયરથી ગ્રસ્ત વિસ્તારમાં પાણી અને કાદવ ઘૂસી આવ્યા હતા અને હજારો રહેવાસીઓને તેમના રહેઠાણ ખાલી કરી સલામત સ્થળે જવા માટે નોટિસ આપવામાં આવી હતી.
દક્ષિણ કેલિફોર્નિયાના ઘણા વિસ્તારોમાં પૂરની ચેતવણી આપવામાં આવી હતી. રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો અને પહાડી વિસ્તારોમાં કેટલાક ફૂટ બરફના થર ખડકાઇ ગયા હતા, જેને પરિણામે રોડ બંધ થઇ ગયા હતા.
સાંતા બાર્બરા કાઉન્ટી ખાતેથી દક્ષિણ તરફ આગળ વધી રહેલા તોફાનમાં ૮૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો એ એક સમયે માત્ર પાંચ મિનિટમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં અંધારપટની સ્થિતિ છવાઇ ગઇ હતી.
ગત વર્ષે માલિબુ ખાતે વુલ્સી ફાયરમાં ઘણાં ઘરો નાશ પામ્યા હતા અને અધિકારીઓએ પૅસિફિક કોસ્ટ હાઇવે અને અન્ય ઘણા માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. આગમાં જે લોકોના ઘર બચી ગયા હતા તેમણે પૂરનાં પાણીથી તેમના ઘરની રક્ષા કરવા રેતીની ગુણીઓની આડશનો સહારો લેવો પડ્યો હતો.