કોંગ્રેસે પિપલ મેનિફેસ્ટો જાહેર કર્યો હતો જેમાં ખેડૂતોનુ દેવુ માફ કરાશે,પાટીદાર સહિત બિનઅનામત વર્ગને અનામત અને બેરોજગારોને રૃા.૪ હજાર સુધીની ભથ્થુ આપવા વચન અપાયુ હતું. આ ઉપરાંત પરવડે તેવુ શિક્ષણ મળી રહે તે માટે કોંગ્રેસે ગુજરાતમા સેલ્ફ ફાયનાન્સ શાળા-કોલેજોને ગ્રાન્ટેડમાં ફેરવવા કટિબધ્ધતા વ્યક્ત કરી છે. કોંગ્રેસે ડિઝલ-પેટ્રોલના ભાવમાં રૃા.૧૦ અને વિજળીના ભાવોમાં ૫૦ ટકા ઘટાડો કરવા ચૂંટણીલક્ષી વાયદો કર્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસે ખેડૂત,બેરોજગારો,આરોગ્ય,સામાજીક-મહિલા સુરક્ષા,ગ્રામીણ વિકાસ, ઓબીસી, માલધારી,લઘુમતી,અનુસુચિત જાતિ,જનજાતિને આવરી ચૂંટણીઢંઢેરાને આખરી ઓપ આપ્યો છે. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઢંઢેરાની ઘોષણા કરતાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ઢંઢેરાસમિતીની ચેરમેન દિપક બાબરિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે,નોર્વે,સ્વિડન જેવા દેશોમાં વિકાસની સાથે લોકો આનંદમાં રહે તેજ રીતે હેપ્પી ઇન્ડેક્સ કન્સેપ્ટ સાથે ખુશહાલ ગુજરાતના નિર્માણના પ્રયાસો કરાશે. અમદાવાદ જેવી મેટ્રોસિટીમાં ભિખારીય જોવા નહી મળે.કોંગ્રેસની સરકાર રચાશે તો, સામાન્ય માનવીની જીંદગી ખુશહાલ બને તે દિશામાં પ્રયાસો કરશે જેમ કે,ખેડૂતોના દેવા માફ કરાશે.કપાસ,મગફળી સહિતના પાકોમાં બોનસ અપાશે.ખેતીવપરાશના સાધનો પરથી જીએસટી હટાવવા રજૂઆત કરાશે. ગુજરાતમાં ૩૦ લાખ બરોજગારો નોકરીના ફાંફા મારી રહ્યાં છે ત્યારે યુવાઓને રૃા.૪ હજાર સુધીનુ ભથ્થુ આપવાનુ વચન આપતાં તેમણે વધુમાં જણાવ્યું કે,ભાજપે ટાટાનેનોને રૃા.૩૨ હજાર કરોડ ફાળવી દીધાં જયારે કોંગ્રેસની સરકાર આવશે તો, આ યુવાઓન સ્વરોજગારી મળે તે માટે અલાયદુ રૃા.૩૨૦૦૦ કરોડના ફંડની જોગવાઇ કરાશે. તમામ સમાજની મહિલાઓ ઘરનુ ઘર અપાશે.મહિલાઓ માટે પિંક ટ્રાન્સપોર્ટની પણ સુવિધા ઉભી કરાશે. સેલ્ફ ફાયનાન્સ શાળા-કોલેજોને સરકારી-ગ્રાન્ટેડમાં ફેરવાશે જેથી ગરીબ-મધ્યમ વર્ગના બાળકો શિક્ષણ મેળવી શકે.હોસ્પિટલોમાં યે મફત તબીબી સુવિધા મળે સરદાર પટેલ હેલ્થ કાર્ડ અપાશે.સસ્તી દવા માટે રાજીવગાંધી ફાર્મસીનુ નેટવર્ક ઉભુ કરાશે. કોંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં એવુ પણ વચન આપ્યું છેકે, ગરીબ કામદારોને ઇન્દિરા કેન્ટીનમાં માત્ર રૃા.૧૦માં ભોજન મળી રહેશે.રિક્ષા ડ્રાઇવર વેલ્ફેર બોર્ડની પણ રચના કરાશે. અલગથી ફિશરીઝ અને ટેક્સટાઇલ્સ મંત્રાલય બનાવવામાં આવશે. ઇન્દિરા આવાસ યોજના,હળપતિ યોજના,આંબેડકર આવાસ યોજના હેઠળ ૨૫ લાખ ઘર બનાવવાનો પણ ઢંઢેરામાં કોંગ્રેસે સંકલ્પ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે વિધાનસભાના સત્રમાં ૧૨૦ દિવસ કાર્યવાહી કરવા મક્કમતા દાખવી છે.આ ઉપરાંત કોંગ્રેસે ગુજરાતમાં આતંકવાદ,કોમવાદ સામે ઝીરો ટોલરન્સની નિતી અપનાવવા પણ નેમ દાખવી છે. આ ઉપરાંત કોંગ્રેસે નલિયાકાંડ,જીએસપીસી ગેસ કૌભાંડ,સુજલામ સુફલામ સહિત કૌભાંડોની સીટ દ્વારા તપાસ કરાવવા પણ ઢંઢેરામાં વચન આપ્યુ છે. રાજકીય કાર્યક્રમો અને તહેવારોમાં બંદોબસ્ત માટે અલગથી પોલીસદળ બનાવાશે. માલધારીઓને ૪૦ એકર ગૌચરની જમીન ફાળવવા પણ કોંગ્રેસે વાયદો કર્યો છે. આમ, વિધાનસભાની ચૂંટણી જોતાં કોંગ્રેસે ઢગલાબંધ વચનો આપ્યા છે. ઉલ્લેખનીય છેકે, ટેકનોક્રેટ સામ પિત્રોડાએ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ફરી લોકોનો મત મેળવીને કોંગ્રેસના ચૂંટણીઢંઢેરાને આખરી ઓપ આપ્યો હતો.