કર્ણાટકમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલા ભાજપ વિધાનસભા પક્ષના નેતા અને ભાજપના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પાએ ગઈ કાલે કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ લેતાં દેશભરમાં રાજકીય હિલચાલ શરૂ થઈ ગઈ છે.
ખાસ કરીને કોંગ્રેસ-જનતા દળ (એસ) છાવણીમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસે કર્ણાટક મામલે ખાસ કરીને યેદિયુરપ્પાને સરકાર રચવા માટે આમંત્રણ આપવાના કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના નિર્ણય સામે રજૂઆત અને વિરોધ કરવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા માટે સમય માગ્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપવાનો નિર્ણય ગેરકાયદે અને ગેરબંધારણીય છે. આ અંગે રાષ્ટ્રપતિ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને કર્ણાટકના રાજ્યપાલનો નિર્ણય પાછો ખેંચવા માટે તેમને અનુરોધ કરવામાં આવશે.
હવે જોવાનું એ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોંગ્રેસને મુલાકાતનો સમય આપે છે કે કેમ ? બીજી બાજુ કોંગ્રેસ આજે દેશભરમાં લોકતંત્ર બચાવો દિવસ મનાવી રહી છે. કર્ણાટકની પેટર્ન પર ગોવા, મેઘાલય અને મણિપુરમાં સરકાર રચવાનો દાવો રજૂ કર્યા બાદ હવે કોંગ્રેસે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસે રાજ્યપાલ દ્વારા ભાજપના નેતા યેદિયુરપ્પાને મુખ્યપ્રધાન તરીકે શપથ અપાવવાનાં પગલાંને બંધારણની હત્યા ગણાવ્યું છે અને તેના વિરોધમાં આજે દેશભરમાં લોકતંત્ર બચાવો દિવસ મનાવવાનું એલાન આપ્યું છે. કોંગ્રેસે ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપતાં જણાવ્યું છે કે શુક્રવારે કોંગ્રેસ લોકતંત્ર બચાવો દિવસ મનાવશે અને તમામ જિલ્લા વડાં મથકો તેમજ રાજ્યનાં વડાં મથકો પર ધરણાં અને દેખાવો યોજીને કોંગ્રેસ વિરોધ કરશે.