કોકા-કોલા ઇન્ડિયાની બોટલિંગ પાર્ટનર હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજિસ (HCCB) અને ઘણી FMCG, કન્ઝ્યુ ડ્યુરેબલ કંપનીઓના ડિસ્ટ્રિબ્યુટર્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ આપેલા વેચાણ પછીના ડિસ્કાઉન્ટ મુદ્દે GST સત્તાવાળાની તપાસના ઘેરામાં આવ્યા છે.
GST અધિકારીઓએ ડિસ્કાઉન્ટ પર GSTની ચુકવણી નહીં કરવા બાબતે ડિસ્ટ્રિબ્યુટર્સનો જવાબ માંગ્યો છે. કેટલાક કિસ્સામાં ટેક્સ સત્તાવાળાએ ડિસ્ટ્રિબ્યુટર્સ પાસે છેલ્લાં પાંચ વર્ષના વેચાણની વિગત માંગી છે. GST અધિકારીઓની કાર્યવાહીથી FMCG, કન્ઝ્યુ ડ્યુરેબલ કંપનીઓ ઊંઘતી ઝડપાઈ છે અને તેમણે સરકાર પાસે રાહતની માંગણી માટે લોબિંગ શરૂ કર્યું છે.
HCCBના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની હંમેશા નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે. કોકા-કોલાની આવકમાં HCCB 67 ટકા હિસ્સો ધરાવે છે. HCCBના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે, અગાઉના મૂલ્યાંકનમાં એક પણ કાયદાકીય ચુકાદામાં કથિત ખર્ચ ડિસ્ટ્રિબ્યુટર્સે કંપનીને આપેલી ‘સર્વિસ’ના બદલામાં હોવાનું જણાવ્યું નથી.”
HCCB 18 ફેક્ટરીમાં કોકા-કોલા અને સ્પ્રાઇટ સોફ્ટ ડ્રિંક્સ, મિનિટ મેઇડ જ્યુસ અને કિન્લી વોટરનું ઉત્પાદન કરે છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “2017માં GST અમલી બન્યા પછી HCCB પહેલાંની જેમ જ બિઝનેસ કરતી હતી. એટલે તેણે જે રકમ પર GST ચૂકવવાનો હોય તેમાંથી ડિસ્કાઉન્ટની રકમ બાદ કરી હતી.” તેમણે કહ્યું હતું કે, “કંપની ડાયરેક્ટરેટ જનરલ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સના અધિકારીઓને મળી હતી અને આ મુદ્દે દલીલો રજૂ કરી હતી.”
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે જરૂરી તમામ સ્પષ્ટતા અને ચર્ચા માટે તૈયાર છીએ. HCCB તેના ડિસ્ટ્રિબ્યુટર્સને વિવિધ પ્રકારનું ડિસ્કાઉન્ટ, ભાવમાં ઘટાડો, રેટ રિબેટ અને વિવિધ સ્કીમ્સ હેઠળ પ્રમોશન્સ ઓફર કરે છે. જેની સામે ડાયરેક્ટરેટ જનરલ ઓફ GSTએ વાંધો દર્શાવ્યો છે.”
ટેક્સ સત્તાવાળાએ ડિસ્કાઉન્ટ અંગે પૂછપરછ કરી છે અને તેને સબસિડી ગણાવી છે. તેમનો વાંધો એ છે કે, ડિસ્ટ્રિબ્યુટર્સના હાથમાં આ ડિસ્કાઉન્ટ આવકનો ભાગ બને છે. એટલે તેમણે વધુ રકમ પર ટેક્સ ચૂકવવો જોઈએ.
ટેક્સ નિષ્ણાતો આ વાંધા સાથે સંમત નથી. ઉદ્યોગે સરકારને જણાવ્યું છે કે, વેચાણ પછીના ડિસ્કાઉન્ટને મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા ડિસ્ટ્રિબ્યુટર્સે આપેલી સર્વિસિસના બદલામાં આપેલું વળતર ગણવું જોઈએ નહીં. ખૈતાન એન્ડ કંપનીના પાર્ટનર રશ્મિ દેશપાંડેએ જણાવ્યું હતું કે, “વાસ્તવમાં ડીલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સને અપાયેલી રકમ વેચાણ પછીનું ડિસ્કાઉન્ટ જ છે, જેને ક્રેડિટ નોટની જોગવાઈ હેઠળ સ્પષ્ટ રીતે આવરી લેવાયું છે. આ રકમ સર્વિસ માટે ચુકવાઈ હોવાના આરોપ યોગ્ય નથી.”