પ્રતિકાત્મક તસ્વીર

દેવાના ડુંગર હેઠળ દબાયેલી જેપી ઈન્ફ્રાટેકને હસ્તગત કરવા માટે એનબીસીસી, કોટક ઈન્વેસ્ટમેન્ટ, એલ એન્ડ ટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિંગાપોર સ્થિત ક્યૂબ હાઈવેઝ અને સુરક્ષા ગ્રુપ એમ પાંચ કંપનીઓ રેસમાં છે. આ તમામે એનસીએલટી હેઠળની પ્રક્રિયામાં જેપી ઈન્ફ્રાને હસ્તગત કરવા માટે રસ દાખવ્યો છે.
જેપી ઈન્ફ્રાટેકના ઈન્ટરિમ રેઝોલ્યૂશન પ્રોફેશનલ (IRP) અનુજ જૈને ઓક્ટોબરમાં પ્રક્રિયા આરંભી હતી. અગાઉ સુરક્ષા ગ્રુપે 7350 કરોડ રૂપિયાની બિડ કરી હતી, જે ધિરાણદારોએ ફગાવી દીધી હતી. કંપનીઓ પાસેથી રેઝોલ્યૂશન પ્લાન મંગાવાયા હતા, જેમાં ઉપરોક્ત પાંચ કંપનીઓએ રસ દાખવ્યો છે. નોઈડા અને ગ્રેટર નોઈડામાં જેપી ઈન્ફ્રાના અનેક પ્રોજેક્ટ નાણાંના અભાવે અટવાઈ પડ્યા છે. ઉપરોક્ત પાંચ કંપનીઓ પૈકી એલ એન્ડ ટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સે માત્ર 165 કિલોમીટરના યમુના એક્સપ્રેસવેમાં જ રસ દાખવ્યો છે, બાકીના પ્રોજેક્ટમાં રસ દાખવ્યો નથી.. એનબીસીસીએ પણ બીએસઈને મંગળવારે માહિતી આપી છે કે તેણે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ રજૂ કર્યું છે અને IRPએ તેને શોર્ટલિસ્ટ કરી છે.
જેપી ઈન્ફ્રાટેકનું કુલ 9800 કરોડ રૂપિયાનું દેવું છે, જે પૈકી 4334 કરોડ રૂપિયા આઈડીબીઆઈના જ ફસાયેલા છે. અન્ય ધિરાણદારોમાં આઈઆઈએફસીએલ, એલઆઈસી, એસબીઆઈ, કોર્પોરેશન બેન્ક, સિન્ડીકેટ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, યુનિયન બેન્ક, આઈએફસીઆઈ, જમ્મુ-કાશ્મીર બેન્ક, એક્સિસ બેન્ક અને શ્રેઈ ઈક્વિપમેન્ટ ફાઈનાન્સનો સમાવેશ છે.
જેપી ઈન્ફ્રાની સબસિડરી જેપી એસોસિયેટ્સ 32,000 ફ્લેટ ડેવલપ કરી રહી છે, જે પૈકી 9500 ફ્લેટ તેમના માલિકોને સોંપી દેવાયા છે. ફ્લેટ ખરીદનારાઓને રિફંડ પેટે જેપી એસોસિયેટ્સે 750 કરોડ રૂપિયા સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રજિસ્ટ્રી સમક્ષ આપી દીધા છે. આ રકમ એનસીએલટીને ટ્રાન્સફર કરી દેવાઈ છે.