કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીના ઈન્ડિયા ડાયરેક્ટર, શેહલા હસને ભારતમાં સંસદના ઈલેક્શન્સમાં ભવ્ય વિજય બદલ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, ભારતમાં સતત બીજીવાર વિજયનો જનાદેશ મેળવવા બદલ નવી સરકારને અમારી સર્વશ્રેષ્ઠ શુભકામનાઓ.

ભારત અને યુકે વચ્ચેની મહત્ત્વની કડીરૂપ આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે. અમારી લેટેસ્ટ રીસર્ચની વિગતો એવું દર્શાવે છે કે, ભારતમાં મૂડી રોકાણ ધરાવતો યુકે સૌથી મોટો દેશ છે. બ્રિટિશ બિઝનેસીઝે ભારતમાં છેલ્લા લગભગ બે દસકામાં અંદાજે 425,000 જોબ્સનું સર્જન કર્યું છે.

યુકે હવે યુરોપિયન યુનિયનથી અલગ પડીને પોતાનું નવું ભવિષ્ય ઘડવાની દિશામાં આગળ ધપી રહ્યું છે ત્યારે ભારત અમારા માટે એક મહત્ત્વનું વેપારી ભાગીદાર બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથ ધરેલા સાહસિક આર્થિક સુધારાઓના પગલે વધુ મોટી સંખ્યામાં બ્રિટિશ બિઝનેસીઝ ભારત તરફ આકર્ષાઈ છે. આવી તકોનો પુરેપુરો લાભ લેવા માટે, બિઝનેસીઝની અપેક્ષા છે કે, ભારતમાં કોર્પોરેટ ટેક્સીઝમાં વધુ ઘટાડો કરાય, ડેટા પ્રાયવસી વધુ મજબૂત બને અને કોન્ટ્રાક્ટ્સના પાલન અથવા તો મિલકતોના રજીસ્ટ્રેશન જેવા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના માપદંડો વધુ સરળ બનાવાય.