લેબર પાર્ટીના 7 MPએ પાર્ટીમાં બ્રેક્ઝિટ અને યહુદીઓ (ઈઝરાયેલના વતનીઓ – જ્યુ લોકો) વિરોધી વલણના મુદ્દે સોમવારે પક્ષમાંથી રાજીનામા આપી પોતે સંસદમાં અપક્ષ સાંસદો તરીકે બેસશે એવી જાહેરાત કરી છે. તેમણે બ્રેક્ઝિટ મુદ્દે સમર્થન બદલ પક્ષના નેતૃત્ત્વ સામે વિરોધ દર્શાવ્યો હતો અને ભેદભાવ ડામવામાં નિષ્ફળતાને પગલે રાજીનામાનો નિર્ણય કર્યો છે. લંડનમાં તાકીદે બોલાવેલી એક પ્રેસ કોન્ફરન્સમાં સાતેય એમપીએ પાર્ટી અધ્યક્ષ જેરેમી કોર્બિન પર નીતિગત આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ પાર્લામેન્ટમાં સ્વતંત્ર જૂથ તરીકે બેસશે.

તો પાર્ટીના નાયબ નેતા ટોમ વોટસને પાર્ટીને અને નેતાગીરીને એવી ચેતવણી આપી છે કે પાર્ટીનું વાતાવરણ સુધારવામાં નહીં આવે, ભેદભાવયુક્ત વલણનો અંત લાવવામાં નહીં આવે તો વધુ સંસદ સભ્યો પક્ષમાંથી રાજીનામા આપે તેવી શક્યતા છે.

આ જૂથના નેતા ચુકા ઉમુન્ના છે, તેમણે બ્રેક્ઝિટ મુદ્દે જનમત દરમિયાન પાર્ટી વિરુદ્ધ પ્રચારનું નેતૃત્ત્વ કર્યું હતું, એક સમયે તેમની ગણના સક્ષમ લેબર નેતા તરીકે થતી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો તમે વિકલ્પ ઇચ્છતા હોવ તો તેના નિર્માણ માટે અમને મદદ કરો. રાજકારણ તૂટી રહ્યું છે, તે આ રીતે ન થવું જોઇએ. લેબરના આ અલગ પડેલા સંસદ સભ્યોએ તો ટોરી પાર્ટીના પણ નારાજ સંસદ સભ્યોને હાકલ કરી છે કે તમે પાર્ટી અને તેની નીતિ-રીતિથી, પાર્ટીની નેતાગીરીથી કંટાળી ગયા હો તો પાર્ટી છોડી અમારી સાથે જોડાઈ જાવ. સત્તાધારી પક્ષના પણ કેટલાક સંસદ સભ્યો પક્ષ સાથે છેડો ફાડે તેવી શક્યતા છે.

આ અંગે કોર્બિને જણાવ્યું હતું કે, એમપીના આ નિર્ણયથી તેઓ નિરાશ થયા છે. આપણા સહુનું સારૂં ભવિષ્ય ઘડવા માટે બધાને સાથે લાવવાનો આ સૌથી સારો સમય છે. અન્ય એમપી લુસિઆના બર્ગરે જણાવ્યું હતું કે, તેઓ ઘણા વર્ષથી ભેદભાવનો ભોગ બની રહ્યા છે, આ સ્થિતિમાં રહેવું મુશ્કેલ અને દુઃખદાયક હોવાથી જરૂરી નિર્ણય લેવો પડ્યો છે. પાર્ટીમાં સંસ્થાકીય રીતે ભેદભાવ જોવા મળે છે. મને લેબર પાર્ટીના પ્રતિનિધિ તરીકે કામ કરતા શરમ આવે છે. હું ડરાવવાની, સ્વમતાગ્રહ અને ધાકધમકીની સંસ્કૃતિ છોડીને જઇ રહી છું. એમપી ક્રિસ લેસલીએ જણાવ્યું હતું કે, લેબરના યુરોપ સાથેના વિશ્વાસઘાતને કારણે તેઓ પક્ષ છોડી રહ્યા છે.