પશ્ચિમ બંગાળમાં મંગળવારે અમિત શાહના રોડ શોમાં હિંસા થઈ અને મોડી રાત સુધી કલકત્તામાં કેટલાક ભાજપ નેતાઓની ધરપકડ કરવામા આવી. કલકત્તા રોડ શોમાં થયેલી હિંસા બાદ ભાજપ પ્રમુખ અમિત શાહ વિરુદ્ધ પણ કલકત્તામાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપ નેતા અમિત માલવીયે આરોપ લગાવ્યો છે કે તેજિન્દર પાલ સિંહ બગ્ગા સહિત કેટલાક BJP નેતાની ધરપકડ કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે એક રોડ શો યોજ્યો હતો, જોકે તેમનો આ રોડ શો વિવાદોમાં ફસાઇ ગયો જ્યારે રોડ યોજાઇ રહ્યો હતો ત્યારે ભાજપ અને કેટલાક સ્થાનિક વિદ્યાર્થી સંગઠનો તેમજ ડાબેરી અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું.
કોલકાતાના કોલેજ સ્ટ્રીટ વિસ્તારમાંથી જ્યારે અમિત શાહનો રોડ શો પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્યાં હાજર વિદ્યાર્થીઓ અને ટીએમસી તેમજ ડાબેરી પક્ષના કાર્યકર્તાઓએ અમિત શાહની વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા, જેથી બાદમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમનું ઘર્ષણ થયુ અને હિંસામાં ફેરવાઇ ગયું હતું.
બન્નેએ એકબીજા પર સામસામે પથ્થરમારો કરવાના આરોપો લગાવ્યા હતા. કોલકાતા યુનિવર્સિટી કેમ્પસમાં બાદમાં ભારે દોડધામ પણ મચી ગઇ હતી. કેમ કે આ હિંસાની શરૂઆત અહીંથી જ થઇ હતી. બાદમાં ગુસ્સે ભરાયેલા ભાજપના કાર્યકર્તાઓએ કોલેજ કેમ્પસમાં હોસ્ટેલનો ગેટ બંધ કરી દીધો હતો અને હોસ્ટેલની બહાર જે વિદ્યાર્થીઓના બાઇક અને અન્ય વાહનો પડયા હતા તેને સળગાવી દીધા હતા.