ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જબરજસ્ત ફોર્મ સાથે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની સતત બીજી મેચમાં સદી કરી રાંચીમાં ૪૧મી વન-ડે સદી નોંધાવી હતી. તેણે કેપ્ટન તરીકે ૪,૦૦૦ રનનાે માઈલસ્ટોન પાર કરી એક નવો રેકોર્ડ કર્યો હતો.
કોહલીએ કેપ્ટન તરીકે સૌથી ઓછી ઈનિંગમાં ૪,૦૦૦ રન કરીને સાઉથ આફ્રિકાના એ. બી. ડી’વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો હતો. ભારતીય કેપ્ટને ૬૩મી ઈનિંગમાં જ આ જ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી, જ્યારે ડિ’વિલિયર્સનો રેકોર્ડ ૭૭ ઈનિંગનો હતો.
આ સાથે તે ભારતનો માત્ર ચોથો એવો કેપ્ટન બન્યો છે કે જેણે ૪,૦૦૦ કે વધુ રન નોંધાવ્યા છે. આ યાદીમાં ધોની ટોચના ક્રમે છે, તેણે કેપ્ટન તરીકે ૬,૬૪૧ રન કર્યા છે, તો અઝહરુદ્દીન (૫,૨૩૯ રન) બીજા અને ગાંગુલી (૫,૧૦૪ રન) ત્રીજા ક્રમે છે.