ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરના ટીવી શો ‘કૉફી વિથ કરણ’માં પોતાના વિવાદાસ્પદ નિવેદનના કારણે ટીમ ઈન્ડિયાથી સસ્પેન્ડ કરાયેલા હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની ક્રિકેટ મેદાન પર અસ્થાયી રીતે વાપસી તો જરુર થઇ છે પરંતુ તેમની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે આ બંને ક્રિકેટરો સાથે સાથે આ શોના હોસ્ટ કરણ જોહર પર પણ કેસ નોંધાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાજસ્થાનના જોધપુરમાં આ ત્રણેય લોકો પર કેસ નોંધાયો છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં કરણ જૌહરના શોમાં પહોંચેલા પંડ્યાએ મહિલાઓ વિશે અત્યંત અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારબાદ શરૂ થયેલા વિવાદને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરતા બીસીસીઆઈએ બંને ખેલાડીઓને સસ્પેંડ કરી તેમના વિરુદ્ધ તપાસ શરૂ કરવાના આદેશ આપ્યા હતા. જો કે આ બંનેને સજા આપવા માટે બોર્ડની અંદર લોકપાલની ગેરહાજરીના કારણે આ કેસ સુપ્રીમ કોર્ટમાં જઇને અટકી ગયો હતો.

સુપ્રીમ કોર્ટમાં થઈ રહેલા વિલંબના કારણે જ બીસીસીઆઇએ આ બન્ને પર લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો અસ્થાયી રીતે હટાવી દીધા હતા અને ત્યારબાદ પંડ્યા ન્યુઝીલેન્ડમાં ટીમ ઇન્ડિયાનો ભાગ બન્યો હતો તો બીજી તરફ કેએલ રાહુલ ઈંગ્લેન્ડ લાયન્સ સામે ભારત-એ ટીમનો ભાગ બન્યો હતો. હવે જોવાનું રહેશે કે જોધપુરમાં નોંધાયેલા આ કેસનો જવાબ બન્ને ક્રિકેટર્સ અને ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહર કેવી રીતે આપે છે.