ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલ-રાઉન્ડર યુવરાજ સિંઘે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 2011ના વર્લ્ડ કપના હીરો રહેલા યુવરાજ સિંઘે સોમવારે એક પત્રકાર પરિષદ બોલાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
યુવરાજ સિંઘની ગણના વિશ્વના મહાન ઓલ-રાઉન્ડરમાં થાય છે. આ ઉપરાંત ક્રિકેટ પ્રેમીઓ તેને આક્રમક બેટ્સમેન અને સર્વશ્રેષ્ઠ ફિલ્ડર તરીકે હંમેશા યાદ રાખશે. 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંઘે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો. યુવરાજે વર્ષ 2000માં કેન્યાના નૈરોબીમાં આઈસીસી નોકઆઉટ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારતને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ત્યારથી તે લાઈમલાઈટમાં આવ્યો હતો.
યુવરાજે છેલ્લે 2012માં ભારત માટે અંતિમ ટેસ્ટ રમી હતી જ્યારે 2017માં પોતાની અંતિમ વન-ડે અને અંતિમ ટી20 મેચ રમી હતી. ભારતીય ક્રિકેટ ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં 2007માં ટી20 વર્લ્ડ કપ અને 2011માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો છે. આ બંને વર્લ્ડ કપમાં યુવરાજનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું છે. 2007ના ટી20 વર્લ્ડ કપમાં યુવરાજે ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.