ક્રિતી સૅનનનું કહેવું છે કે તેની ફિલ્મી જર્નીથી તે ખુશ છે. તેણે બૉલીવુડમાં પાંચ વર્ષ પૂરાં કર્યાં છે. ‘હીરોપંતી’થી શરૂઆત કરનાર ક્રિતીએ ‘બરેલી કી બર્ફી’ અને ‘લુકા છુપી’ જેવી ફિલ્મો કરીને લોકોનાં દિલોમાં ખાસ સ્થાન બનાવ્યું છે. તેની કરીઅર વિશે ક્રિતીએ કહ્યું હતું કે ‘મેં કોઈ પ્લાન બનાવ્યા નથી એટલે કોઈ અપેક્ષાઓ પણ નથી. જોકે મેં આશા રાખી હતી કે લોકો મારો સ્વીકાર કરશે અને આ ઇન્ડસ્ટ્રીમાં હું મારી જગ્યા બનાવવામાં સફળ રહીશ. ખાસ કરીને ત્યારે જ્યારે હું કોઈ ફિલ્મી બૅકગ્રાઉન્ડ નથી ધરાવતી. હું હંમેશાંથી જાણતી હતી કે મારા માટે આ અઘરું હશે. દર શુક્રવારે તમારું લક બદલાય છે. આ સિક્યૉર પ્રોફેશન નથી. જોકે મને આશા હતી કે એક દિવસ મારી પાસે સારી તક આવશે જેનાથી હું અલગ કામ કરીશ. હું મારી ફિલ્મી જર્નીથી ખુશ છું.’ ઍક્ટરે પોતાનામાં સતત વિકાસ કરવો જોઈએ એના પર ભાર મૂકતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘તમે સ્થિર ન રહી શકો કે કોઈ વસ્તુનું પુનરાવર્તન ન કરી શકો. આ જ એક રસ્તો છે કે જેના દ્વારા તમે ઇન્ડસ્ટ્રીમાં ટકી શકો છો અને આગળ વધી શકો છો. તમારે સતત આગળ વધવું જોઈએ અને સખત મહેનત કરવી જોઈએ.’