કેનેડાની એક ક્રિપ્ટોકરન્સી ફર્મ ક્વાડ્રિગાના ફાઉન્ડર અને સીઇઓ ગેરાલ્ડ કોટેન(30)નું મૃત્યુ થતા રોકાણકારોના 974 કરોડ રૂપિયાની કિંમતની ક્રિપ્ટોકરન્સી ફ્રીઝ થઇ ગઇ છે. આ કરન્સી અનલોક કરવાનો પાસવર્ડ માત્ર કોટેન પાસે હતો. કોટેનનું મૃત્યું ડિસેમ્બરમાં થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ જાણ થઇ છે કે, ગેરાલ્ડનું મૃત્યુ ભારતની યાત્રા દરમિયાન થયું હતું. તેઓ ભારતમાં અનાથ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરવાના હતા. હકીકતમાં બિટકોઇન, લાઇટકોઇન અને ઇથ્રીરિયમ જેવી ક્રિપ્ટોકરન્સી ફ્રીઝ થઇ ગઇ છે

કોટેનની પત્ની જેનિફરે કોર્ટને જણાવ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સી લોક થતા આની અસર 1.15 લાખ યુઝર્સ પર થઇ છે. કંપનીના 3.63 લાખ રજિર્સ્ટ્ડ યુઝર છે. તેમણે જણાવ્યું હતું કે, કોટેનના મુખ્ય કમ્પ્યૂટરને માત્ર ફિઝિકલી એક્સેસ કરી શકાય છે અને આનો પાસવર્ડ માત્ર કોટેન જ જાણતા હતા. પરંતુ તેમના મોત બાદ હવે આ તમામ ક્રિપ્ટોકરન્સી ફસાઇ ગઇ છે.

જેનિફરે જણાવ્યું હતું કે, તેઓ કોટેનના બિઝનેસમાં સામેલ નહતા તેથી તેમને પાસવર્ડ અને રિક્વરી-કી અંગે કોઇ જાણકારી નથી. તેમના મતે ઘરમાં બધી જ જગ્યાએ શોધ કર્યા છતા પાસવર્ડ કોઇપણ જગ્યાએ લખેલો મળ્યો નથી. નિષ્ણાતો સાથે પણ અંગે વાત થઇ હતી પરંતુ તેઓ પણ કોટેનના બીજા કમ્પયૂટરમાંથી કેટલાક કોઇન જ પરત મેળવી શક્યા હતા. નિષ્ણાતો પણ મુખ્ય કમ્પયૂટરનો એક્સેસ મેળવી શક્યા નહતા.

કંપનીએ નોવા સ્કોટિયા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે, તેમને મંજૂરી આપવામાં આવે જેથી તેઓ પોતાની આર્થિક સમસ્યાનો ઉકેલ લાવી શકે. કંપનીએ જણાવ્યું હતું કે, ગત કેટલાક સપ્તાહથી અમે આર્થિક સમસ્યાનો ઉકેલ લાવવાના અનેક પ્રયાસ કરી રહ્યા હતા. અમારે અમારા યુઝર્સને તેમના ડિપોઝિટ મુજબ નાણાં આપવાના છે પરંતુ અમે આવું કરવામાં અસમર્થ છીએ કેમકે અમે એકાઉન્ટ જ એક્સેસ કરી શકતા નથી.