લંડનની વેસ્ટ મિન્સ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટે દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની, હેન્સી ક્રોનિયેના મેચ-ફિક્સિંગ કૌભાંડમાં સંડોવાયેલા મનાતા બુકી સંજીવ કુમાર ચાવલાને ભારતને સોંપી દેવાનો (એક્સટ્રાડિશન) ચુકાદો આપ્યો છે. હેન્સી ક્રોનિયેનું આ કૌભાંડ 18 વર્ષ પહેલા, 2000માં ઝડપાયું હતું. કોર્ટના આ ચુકાદા પછી હવે યુકેના હોમ સેક્રેટરી સાજિદ જાવિદે આખરી નિર્ણય લેવાનો રહેશે, તે માટેની સમયમર્યાદા બે મહિનાની છે. ચાવલા સામે ક્રોનિયે તથા કેટલીક મેચ ફિક્સ કરવા ઈચ્છતા બુકીઝ વચ્ચેની કડી બન્યાનો આરોપ છે. તે 1996માં યુકે આવી વસ્યો હતો અને જુન 2016માં તેની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી.

અગાઉ સંજીવ ચાવલાએ દિલ્હીની તિહાર જેલ પોતાના માટે જોખમી હોવાની અને તે જેલ પોતાના માનવ અધિકારોનું રક્ષણ કરી શકવા માટે યોગ્ય નહીં હોવાની દલીલોના આધારે એક્સ્ટ્રાડિશનની કાર્યવાહી અટકાવી રાખી હતી. જો કે, ભારતીય સત્તાવાળાઓની રજૂઆતો પછી આ અગાઉની સુનાવણીમાં, 16 નવેમ્બરે જ કોર્ટે એવું તો જાહેર કરી જ દીધું હતું કે, તિહાર જેલમાં ચાવલા સામે કોઈ જોખમ નથી અને તેના માનવ અધિકારોનું ત્યાં રખાય તો હનન થતું હોવાનું જણાતું નથી. ઓક્ટોબર 2017માં જજ રેબેકા ક્રેને આ કારણોસર તેનું એક્સટ્રાડિશન અટકાવ્યું હતું. લગભગ એક જ મહિનામાં આરોપીઓની ભારતને સોંપણીના આ બીજા કેસમાં ભારતને સફળતા મળી છે. 10 ડીસેમ્બર, 2018ના રોજ આ જ મેજીસ્ટ્રેટ કોર્ટે વિવાદસ્પદ ઉદ્યોગપતિ અને સાંસદ વિજય માલ્યાની પણ સોંપણી કરવાનો ચુકાદો આપ્યો હતો.